વલસાડ: જિલ્લામાં મોટી સંખ્યામાં ભક્તોએ બાપાની પ્રતિમાને વિસર્જિત કરી હતી. ત્યારે વિસર્જન માટે કલેક્ટરના જાહેરનામાના ધજાગરા ઉડતા પણ જોવા મળ્યા હતા. દર વર્ષે દમણગંગા નદી કિનારે મોટી સંખ્યામાં ગણેશભક્તો વિસર્જન માટે આવે છે. આ વખતે કોરોના મહામારીને ધ્યાને રાખી કલેક્ટરે જાહેરનામું બહાર પાડી નદી-નાળા કે તળાવમાં ગણેશજીની પ્રતિમાના વિસર્જન પર પાબંધી લગાવી હતી. આ સાથે દમણગંગા નદીના કાંઠે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જોકે, બંદોબસ્ત જાણે નામ માત્રનો હોય તેમ એક તરફ પોલીસ જવાનો આરામ કરતા હતા. જ્યારે બીજી તરફ ગણેશભક્તો ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરી જાહેરનામાના ધજાગરા ઉડાડતા હતા.
વલસાડમાં ગણેશ વિસર્જન દરમિયાન કલેક્ટરના જાહેરનામાનો ભંગ
વલસાડ જિલ્લામાં ગણેશ વિસર્જનને લઈને કલેક્ટરના જાહેરનામામાં, નદી કે તળાવ કે દરિયામાં ગણેશ પ્રતિમાઓનું વિસર્જન નહીં કરવાના જાહેરનામાં બાદ પણ ગણેશભક્તોએ તમામ નિયમોને અવગણી દમણગંગા નદીના કિનારે સરેઆમ બાપાનું વિસર્જન કર્યું હતું.
વલસાડ
આમ, વલસાડ જિલ્લામાં કલેકટરના જાહેરનામાનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. તેમાં પોલીસ પણ જાણે સહભાગી હોય તેમ એક કાંઠે બંદોબસ્ત તો, બીજા કાંઠે કોઈ બંદોબસ્ત નહીં કરીને ગણેશ ભક્તોને તેની શ્રદ્ધા મુજબ નદીમાં પ્રતિમાનું વિસર્જન કરવા અને ગણપતિ બાપા મોરિયાના નાદને જોવા-સાંભળવા, આંખ-કાન આડા હાથ ધરી દીધા હતા.