- વાપીમાં DFCCIL પ્રોજેકટ હેઠળ જૂનું ગરનાળુ બંધ કર્યું
- ગટર સહિતની લાઇન માટે ગરનાળુ બંધ કરતા ટ્રાફિકની સમસ્યા
- ઇસ્ટ-વેસ્ટને જોડતું જૂનું ગરનાળુ કાયમી બંધ થવાની ભીતિ
વાપી: વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર JNPT (જવાહરલાલ નહેરુ પોર્ટ ટર્મિનલ)થી દાદરી વાયા વડોદરા-અમદાવાદ-પાલનપુર-ફૂલેરા-રેવારી સુધીના ડબલ લાઇન ઇલેક્ટ્રિક (2 એક્સ 25 કેવી)ના 1504 કિલોમીટરના અંતરનો પ્રોજેેેકટ પ્રગતિમાં ચાલી રહ્યો છે. વાપીમાં પણ આ પ્રોજેકટ હેઠળ વોટર ડ્રેઇન, સાઈડ ડ્રેઇન, સેન્ટ્રલ ડ્રેઇન, ગેબી ઓન વોલ, કનેકટિંગ રોડ સહિતની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત જુના રેલવે ગરનાળાને બંધ કરવામાં આવ્યું છે. જોકે, મળતી વિગતો મુજબ આગામી દિવસોમાં આ ગરનાળુ વલસાડના ગરનાળાની જેમ કાયમી બંધ કરવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
DFCCILના ફ્રેઈટ કોરિડોર પ્રોજેકટમાં ઓવરબ્રિજના પિલ્લર અડચણરૂપ
વાપીમાં હાલ DFCCIL (ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ) દ્વારા હાથ ધરાયેલા પ્રોજેકટ અંતર્ગત કામગીરી ચાલી રહી છે. વાપીવાસીઓ માટે આ કામગીરી જૂન 2022 સુધી અનેક આપદા આપનારી છે. સૌ-પ્રથમ તો વાપીને ઇસ્ટ-વેસ્ટ એમ બે ભાગે વંહેંચી દેતી પશ્ચિમ રેલવેની લાઈનને કારણે લોકો માટે રેલવે ઓવરબ્રિજ અને રેલવે ગરનાળુ જ મુખ્ય રસ્તા છે. જેમાં DFCCILના ફ્રેઈટ કોરિડોર પ્રોજેકટમાં ઓવરબ્રિજના પિલ્લર અડચણરૂપ થતા હોય તેને તોડી પડવાની જરૂરત ઉભી થઇ છે. ઓવરબ્રિજ પણ 20 વર્ષ જૂનો હોય તેને તોડી નવો બ્રિજ બનાવવા માટે ધારાસભ્ય કનું દેસાઈની પહેલથી 141 કરોડ આસપાસનો નવો બ્રિજ બનાવવાની મંજૂરી મળી છે.
જૂનું ગરનાળુ બંધ થતાં ટ્રાફિકજામ સર્જાઈ રહ્યો છે
આગામી દિવસોમાં જો ઓવર બ્રિજને તોડી નવા બ્રિજનું કામ શરૂ કરાશે તો ટ્રાફિકને ધ્યાને રાખી હાલ જુના રેલવે ફાટકને ફરી ખુલ્લો કરવો પડશે જે માટે નગરપાલિકાએ, PWD અને રેલવે વિભાગે એકમેક સાથે સંકલન સાધી તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ તમામ તૈયારીઓ વચ્ચે વાપી વાસીઓએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે. હાલમાં DFCL દ્વારા વાપી રેલવે સ્ટેશન નજીક બને તરફ ગટર લાઇન, ટ્રેક સહિતની કામગીરી શરૂ કરી છે. બે દિવસથી જૂનું રેલવે ગરનાળુ પણ બંધ કર્યું છે. એટલે એ વિસ્તારમાં વાહનોના ટ્રાફિકજામની સમસ્યા વકરી રહી છે.
ચોમાસામાં હાલાકીનો સામનો કરવો પડશે
મળતી માહિતી મુજબ આ જૂનું રેલવે ગરનાળુ હવે આગામી દિવસમાં કાયમી બંધ કરવામાં આવશે. જો એવું થાય તો ઇસ્ટ-વેસ્ટમાં આવાગમન માટે માત્ર નવું રેલવે ગરનાળુ એક માત્ર વિકલ્પ રહેશે. જો ચોમાસા પહેલા જુના ફાટકને ખોલવામાં નહીં આવે અને નવા રેલવે ગરનાળામાં પાણીનો ભરાવો થશે તો વાપીવાસીઓ ઇસ્ટમાંથી વેસ્ટમાં જવા આવવા મોટી આપદા અનુભવશે.
આ પણ વાંચો:શહીદ દિને વડોદરા કોંગ્રેસની માગણી: સમા તળાવ પાસે શહીદ વન પ્રોજેકટ શરુ કરી રાષ્ટ્રધ્વજ લગાવો