સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના મુકેશભાઇ ધોડિયા વાપી GIDCમાં અગ્રવાલ પેપર ટ્યુબ કંપનીમાં નોકરી કરે છે. જે એક વર્ષથી વાપી ડુંગરા વિસ્તારમાં પત્ની હેમલતા અને બે છોકરી સાથે સાસરીયામાં રહે છે. તેની પત્ની પ્રેગનેન્ટ હોવાથી 15 નવેમ્બરના રોજ વાપીની શિવમ હોસ્પિટલ ડિલીવરી માટે ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે નોર્મલ ડીલીવરી કરાવી બાળક સિરિયસ હોવાનું જણાવ્યું હતું. અને તે બાદ અચાનક તબીબે પરિજનોને જણાવ્યું કે, હેમલતાબેનની તબિયત સીરીયસ છે. અને તેમને તાત્કાલિક હરિયા હોસ્પિટલમાં રીફર કરવા પડશે.
ડૉક્ટરની સલાહ બાદ દર્દીને હરિયા હોસ્પિટલ અને બાળકને એપલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં રવિવાર બપોરે દર્દીનું સારવાર દરમિયાન મોત થયું હતું. જે અંગે પતિ મુકેશભાઇએ વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર ઘટના અંગે મૃતકના પરિવારજનોએ શિવમ હોસ્પિટલના ડૉક્ટર પર બેદરકારીના આક્ષેપ લગાવ્યા છે. પરિવારજનોએ જણાવ્યું કે, બહેનની તબિયત ખરાબ હતી. તેમ છતાં તબીબોએ તાત્કાલિક જાણ નહોતી કરી અને આખરે ડિલિવરી બાદ 2 કલાકે જાણ કરી હતી.
જ્યારે આ અંગે શિવમ હોસ્પિટલના મુખ્ય ડૉ.શીતલ દેસાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ડિલિવરી દરમિયાન બાળક સિરિયસ હતું, પરંતુ માતાની તબિયત નોર્મલ હતી. જે બાદ અચાનક તેનું બ્લીડીંગ વધ્યું હતું. અને તે માટે ગર્ભાશય કોથળી કાઢી ઓપરેશન દ્વારા તેને રોકવામાં આવતું હોય છે. પરંતુ અમારી પાસે તાત્કાલિક બ્લડની અને અન્ય વ્યવસ્થા થઈ શકે તેમ નહોતી જેથી દર્દીનો જીવ બચાવવા એક જ કલાકમાં તેને હરિયા હોસ્પિટલમાં રીફર કરી દીધા હતાં.
ડૉ.શીતલ દેસાઈ પોતે એક્સપર્ટ તબીબ હોય તેમ આ અંગે એવી વિગતો પણ આપી હતી કે, મહિલાને રીફર કરતી વખતે તેમની પલ્સ અને BP સ્ટેબલ હતું, પરંતુ આવા સમયે જો બ્લીડીંગ વધું હોય તો મહિલાની ગર્ભાશયની કોથળી કાઢી નાખતા હોઈએ છીંએ. અને તેમાં 100 ટકા દર્દી બચી જાય છે. પરંતુ ત્યાંના ડૉકટરોએ શું કર્યું તેની મને ખબર નથી.