વલસાડ જિલ્લામાં આવેલા નાનીતંબાડી ગામના બ્રાહ્મણ ફળિયામાં આવેલી વલસાડ જિલ્લા પંચાયત સંચાલિત શાળા જેમાં ધોરણ 1 થી 8 શિક્ષણ આપવામાં આવે છે. આ શાળામાં 200થી પણ વધુ બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. જો કે વર્ષો જૂના આ બિલ્ડીંગ જર્જરિત બનતા 5 જેટલા ઓરડાઓ તૂટી પડે એવી હાલતમાં પહોંચી ચૂક્યા હતા. તો મામલે સ્થાનિક વાલીઓએ તેમજ અગ્રણીઓ દ્વારા જિલ્લા પંચાયતમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હોતું. જેને પગલે આખરે બાળકોને બેસાડવા માટે સ્થાનિકોએ લોક સહયોગથી 2 જેટલા ઓરડાનું સમારકામ કરાવ્યું હતું. પરંતુ હજુ પણ 3 જેટલા ઓરડાઓ અત્યંત જર્જરિત હાલતમાં પડ્યા છે.
તો આ શાળાના કોટ અને નડિયા પણ તૂટી ગયા છે. તો શાળા પરની છત પણ તૂટી પડી છે. તો શાળાની બારીના સળિયા પણ તૂટી ગયા છે. જો કે હાલમાં જર્જરિત વર્ગખંડોને પણ બંધ કરી દેવામાં આવ્યા છે. પરંતુ તેની બાજુના જ ઓરડામાં બેસીને વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તો બીજી તરફ એક નવા ઓરડાનું નિર્માણ સરકારે કરી આપ્યું છે. પરંતુ આ નવા બનેલા મકાનમાં પણ વરસાદી પાણી ભરાવવાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓની સ્થિતિ કપરી બની છે. કારણ કે, નવા મકાનમાં મુકવામાં આવેલા કૉમ્પ્યુટર અને જરૂરી કાગળો અને દસ્તાવેજો મૂકતા કબાટમાં પણ વરસાદી પાણી ભરાઇ જતા હોય છે. જેના કારણે કબાટ પર પ્લાસ્ટિક બાંધીને હાલ કામચલાઉ રીતે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તો આ શાળાને લઇને સ્થાનિક લોકોની માંગ છે, કે અહીં સરકાર દ્વારા બાળકોને બેસવા માટે યોગ્ય હવા-ઉજાસ અને ગુણવત્તાવાળા વર્ગખંડો બનાવી આપવામાં આવે.