વલસાડ :ઉમરગામ તાલુકાના નારગોલ બંદર તેમના સુંદર બીચ અને માછીમારી સાથે સંકળાયેલા માછીમારોના વ્યવસાયને લઈને ખૂબ જાણીતું છે. હવે આ ગામના એક યુવાનની કલા કારીગરીને કારણે વધુ જાણીતું બન્યું છે. અહીંનો 26 વર્ષીય કલાકાર માછીમારોની પ્રિય હોડીની પ્રતિકૃતિ બનાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. સોશ્યલ મીડિયાનો લાભથી આર્થિક લાભ પ્રાપ્ત કરી શકાય તેવું ઉદાહરણ નારગોલ ગામના એક યુવાનના મિત્રોએ આપ્યું છે. આ ગામના યુવાને શોખ ખાતર ફ્રી સમયમાં હોલીવુડ મૂવીમાં બ્લેક પર્લ નામના જહાજની પ્રતિકૃતિ તૈયાર કરી હતી. આ પ્રતિકૃતિના વિડિઓ ફોટો યુવાને મિત્રોને મોકલ્યા હતા. મિત્રોએ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર કરતા આજે આ યુવાનને હોડીના અનેક ઓર્ડર મળી રહ્યા છે
શું છે રસપ્રદ વાત :વલસાડ જિલ્લાના નારગોલ ગામે રહેતા પ્રશાંત દમણિયાની કલા કારીગરીએ સ્થાનિક જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યના માછીમારોને તેની કલાના દીવાના કર્યા છે. મર્ચન્ટ નેવીનો અભ્યાસ કરી તેમાં જોડાવાના સપના સેવતા પ્રશાંત દમણિયા કોરોના કાળ દરમિયાન ફ્રી સમયમાં પોતાના ઘર આંગણેના દરિયા કિનારે મિત્રો સાથે ફરવા જતો હતો. મૂળ માછીમાર પરિવારમાં જન્મેલો અને હોલીવુડ મુવી પાયરેટ્સ ઓફ કેટેબિયનમાં બતાવેલ બ્લેક પર્લ નામનું જહાજ તેને ખૂબ ગમ્યું હતું. પ્રશાંત દમણિયાને દરિયા કાંઠે ફરતી વખતે એક લાકડું મળ્યું જેને તે ઘરે લાવ્યો અને તેમાંથી બ્લેક પર્લ બનાવ્યું. જેના ફોટો વિડિઓ મિત્રોને સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. મિત્રોએ અન્યને શેર કર્યા હવે તેની કલા કારીગરીને પારખી અનેક માછીમારો તેમની હોડીઓની પ્રતિકૃતિઓ બનાવવાના ઓર્ડર આપી રહ્યા છે.
પૂજામાં પ્રતિકૃતિ મૂકે છે :પ્રશાંત દમણિયાએ જણાવે છે કે, મોટેભાગે દરેક માછીમાર તેમની હોડીને તેમના પરિવારના સભ્ય સમાન ગણે છે. પોતાની હોડી પ્રત્યેની લાગણી તેની પૂજા કરી વ્યક્ત કરતા હોય છે. એ પૂજા દરમિયાન તેઓ બોટના ફોટા પૂજામાં મુકતા હોય છે. પરંતુ હવે તે ફોટો આધારે તેવી જ આબેહૂબ હોડીની પ્રતિકૃતિ બનાવી આપવાની કળામાં પારંગતથી લોકો તેમને ઓર્ડર આપી હોડીની પ્રતિકૃતિ તૈયાર કરાવડાવે છે. અત્યાર સુધીમાં તેમણે 40 જેટલી અલગ અલગ માછીમારી હોડીની પ્રતિકૃતિ તૈયાર કરી આપી છે.