ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ રેલવે પોલીસે ટ્રેનમાં મહિલા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપીનો સ્કેચ કર્યો જાહેર - ગુજરાતી સમાચાર

વલસાડઃ ગુજરાત કવીન ટ્રેનમાં લેડીઝ ડબ્બામાં રક્ષાબંધન પર્વ માણીને વડોદરા થી વલસાડ આવતી એક શિક્ષિકાની એકલતાનો લાભ લઇ નવસારી સ્ટેટશનથી ચડી ગયેલા એક હવસખોર યુવાને ચાલુ ટ્રેને શિક્ષિકાનું મોઢું દબાવી દુષ્કર્મ કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ અમલસાડ સ્ટેશન આવી જતા તે ઉતરીને રવાના થઈ ગયો હતો. આ સમગ્ર બાબતે મહિલાએ વલસાડ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે આરોપીનો સ્કેચ તૈયાર કરાવ્યો છે અને તેમના બાતમીદારોને મોકલી આ યુવકને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.

વલસાડ રેલવે પોલીસે ટ્રેનમાં મહિલા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપીનો સ્કેચ કર્યો જાહેર

By

Published : Aug 19, 2019, 10:00 AM IST

ભાઈ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધનને લઈને પોતાના ભાઈને ત્યાં રાખડી બાંધવા માટે વડોદરા પહોંચેલી વલસાડના એક ગામની શિક્ષિકા રાખડી બાંધીને વલસાડ ગુજરાત ક્વીન ટ્રેનમાં પરત ફરી રહી હતી. આ દરમિયાન નવસારી સ્ટેશન ઉપરથી લેડીસ કોચમાં એક હિન્દીભાષી યુવાન આ મહિલાની એકલતાનો લાભ લઈને ચડ્યો હતો અને જેવી ટ્રેન શરૂ થઈ કે આ મહિલાનો મોઢું દબાવી તેની સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ શિક્ષિકા મહિલા તેને તાબે થઇ ન હતી. જોકે બાદમાં અમલસાડ સ્ટેશન આવી જતા જેમ તેમ કરીને શિક્ષિકા મહિલા આ હવસખોર યુવાનની ચુંગાલમાંથી બહાર નીકળી પાછળની બાજુએ આવેલા એક જનરલ કોચમાં જઈને બેસી ગઈ હતી. જ્યારે પેલો યુવાન ટ્રેનમાંથી ઉતરીને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાની ફરિયાદ આ શિક્ષિકાએ વલસાડ રેલવે પોલીસમાં કરતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

જોકે સુરત બાદ વલસાડ સુધીના કોઇપણ સ્ટેશન ઉપર CCTV કેમેરા ન હોવાથી પોલીસ માટે આ યુવાનને શોધવાનું હાલ લોઢાના ચણા ચાવવા બરાબર બન્યું છે. તેમ છતાં પણ રેલવે પોલીસે ફરિયાદીના વર્ણનના આધારે એક સ્કેચ તૈયાર કર્યો છે અને આ સ્કેચ સુરત થી વલસાડ સુધીના તમામ સ્ટેશનના તેમના બાતમીદારોને મોકલી દીધો છે. જેને લઇને હવે આ દુષ્કર્મનો પ્રયાસ કરનાર હવસખોરને જલદી ઝડપી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે વડોદરાથી સાંજે પાંચ વાગ્યે ઉપડીને રાત્રે સાડા બાર કલાકે વલસાડ સ્ટેશને પહોંચી ગુજરાત નવસારી સ્ટેશન ગયા બાદ દરેક કોચમાં એકલદોકલ લોકો જ રહેતા હોય છે. અને એમાં પણ મહિલા કોચમાં આ યુવાન ચડયો કેવી રીતે એ એક તપાસનો વિષય છે. વળી રાત્રિ દરમિયાન રેલવે પોલીસ કે આર.પી.એફ દ્વારા આ ગુજરાત ક્વીનમાં ચેકિંગ પણ કરવામાં આવતું નથી. જેના કારણે આવી ઘટનાઓ દિન-પ્રતિદિન વધતી જાય છે. જેમાં કેટલીક જાગૃત મહિલાઓ ફરિયાદ કરવા આવે છે તો કેટલીક મહિલાઓ સમાજમાં પોતાની બદનામી થવાના ડરને કારણે ફરિયાદ કરતા પણ અચકાતી હોય છે ત્યારે આવી ઘટનાઓ રોકવા પોલીસ સતર્ક બને એ જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details