ગુજરાતમાં પાંચ હજારથી વધુ પ્રાથમિક શાળાને અન્ય શાળામાં મર્જ કરી દેવાના વિરોધમાં આજે દક્ષિણ ગુજરાત અને સમગ્ર ગુજરાતમાંથી ભીલીસ્થાન ટાઇગર સેના દ્વારા ગાંધીનગર ખાતે વિધાનસભાનો ઘેરાવ કરી વિરોધ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ રેલી અંગે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થતા અગ્રણીઓ ગાંધીનગર નીકળે તે પહેલાં જ જિલ્લા પોલીસે, ટાઈગર સેના પ્રમુખ અને અગ્રણી કાર્યકરોને તેમના નિવાસ સ્થાનેથી જ નજર કેદ કરી લીધા હતા.
ગાંધીનગરમાં રેલી પહેલા જ વલસાડ પોલીસે ભીલીસ્થાન ટાઈગર સેનાના અગ્રણીને નજર કેદ કર્યા - વલસાડ પોલીસ સ્ટેશન
વલસાડ: ગુજરાત સરકારે 30થી ઓછી સંખ્યા ધરાવતી દરેક શાળાને અન્ય શાળામાં મર્જ કરવાનો નિર્ણય લીધો છે. જેનો વિરોધ કરવા માટે મંગળવારના રોજ વિધાનસભાનો ઘેરાવ કરવા માટે ભીલીસ્થાન ટાઇગર સેના દ્વારા એક વિશાળ રેલીના આયોજનનો મેસેજ રવિવાર સાંજથી સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતો. જેથી પોલીસ હરકતમાં આવી ગઇ હતી અને દરેક તાલુકાના પ્રમુખ તથા અગ્રણીઓને પોલીસે તેમના નિવાસ સ્થાનથી નજર કેદ કર્યા હતા.
અગ્રણીને નજર કેદ કરવાથી તેમનામાં સરકારી કામગીરીને લઇને ભારે રોષ જોવા મળ્યો હતો. તેમણે કહ્યું કે, તેમના ઘર સુધી પોલીસની ગાડી આવે છે અને તેમને રાતોરાત પોલીસ મથક સુધી ઊંચકી લાવવામાં આવે છે. આ ઘટનાને લઈને તેમના પરિવાર અને તેમના સામાજિક જીવનમાં પણ ઊંડા પ્રત્યાઘાતો પડી રહ્યાં હોવાનું અગ્રણીઓએ જણાવ્યું હતું.
વલસાડ તાલુકામાંથી જીતુ પટેલ, ધરમપુરમાં કલ્પેશ પટેલ, પારડી તાલુકામાં સુમન પટેલ અને હરીશ પટેલ, વાપી તાલુકામાંથી પરેશ પટેલ અને કેતન પટેલ જ્યારે કપરાડા તાલુકામાંથી જયેન્દ્ર ગામીત અને બીપીન રાઉતને મોડીરાત્રે નજર કેદ કર્યા હતા. ઉપરાંત કપરાડા તાલુકાના ધરમપુર રોડ પર પોલીસે બેરીકેડ મુકી ત્યાંથી પસાર થતા અનેક વાહનોમાંથી લોકોને ઉતારીને ચેક કર્યા હતા. ઉપરાંત તેમને પૂછ્યું પણ હતું કે, શું તેઓ ગાંધીનગર રેલીમાં જાય છે? આ સમગ્ર બાબતને લઈને ભીલીસ્થાન ટાઇગર સેનાના અગ્રણીઓ અને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો છે.