અલબીનો રોગના કારણે નાગનો રંગ સફેદ બની જાય છે વાપી : વાપીમાં સાપને પકડી સુરક્ષિત જંગલમાં છોડવાનું કામ કરતા ઇમર્જન્સી રેસ્ક્યુ ફોર્સની ટીમે વાપી નજીકના કરવડ ગામેથી એક સફેદ નાગનું રેસ્ક્યુ કર્યું છે. આ નાગનું ઝેર પણ અન્ય નાગના ઝેર જેટલું જ ઘાતક છે. જેને રેસ્ક્યુ કર્યા બાદ વનવિભાગની મદદથી સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો.
લાંબા સમય બાદ સફેદ નાગ દેખાયો : સામાન્ય રીતે આપણી આસપાસ અનેક પ્રકારના નાગ અને સાપ જોવા મળે છે. પરંતુ એ તમામમાં સફેદ કોબ્રા દુર્લભ નાગ છે. વાપીમાં વર્ષો બાદ પ્રથમ વખત આવો સફેદ નાગ મળી આવ્યો છે. નાગના સફેદ રંગ અંગે લોકોમાં ચર્ચા ઉઠે તે પહેલાં વનવિભાગના અધિકારી અને રેસ્ક્યુ ટીમના ટ્રેનરે સફેદ નાગ વિશે મહત્ત્વની જાણકારી આપી હતી.
અલબીનો રોગ થવાથી નાગનો સફેદ રંગ : જેમ માનવીમાં કેટલાક વિટામિનની ઉણપ હોય તો તે માનવીનું શરીર એકદમ સફેદ થઈ જાય છે. સામાન્ય રીતે તેના માટે પ્રચલિત શબ્દ કોઢ છે. જે શરીરમાં પીંગમેન્ટ્સની ઉણપને કારણે થાય છે. પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે, આ કોઢ પશુપંખીઓને સરિસૃપોને પણ થાય છે. જેને અલબીનો ડીસીઝ કહેવાય છે. વાપીમાં વર્ષો બાદ આ અલબીનો રોગનો ભોગ બનેલ એક નાગનું સ્થાનિક ઇમર્જન્સી રેસ્ક્યુ ફોર્સ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમે રેસ્ક્યુ કરી વનવિભાગની મદદથી તેને સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કર્યો છે.
આ એવો કોબ્રા એટલે કે નાગ છે જે અલ્બીનો છે. અલ્બીનો એક રોગ છે. જેના શરીરમાં પિગ્મેન્ટ્સની ઉણપ હોય એ માણસ કે પશુ પંખીનું શરીર સફેદ રંગનું જોવા મળે છે. એટલે દરેક લોકોને વિનંતી છે કે આવા સફેદ રંગના સાપને જોઈને કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધામાં દોરવાવું જોઈએ નહીં, તકેદારીના ભાગરૂપે વન વિભાગને અથવા સાપ પકડતી સંસ્થાઓને જાણકારી આપી વહેલી તકે આવા સાપનું રેસ્ક્યુ કરાવવું જોઈએ. સફેદ રંગનો નાગ પણ અન્ય નાગ જેવો જ નાગ છે. જે ખૂબ જ દુલર્ભ છે. જેનું મળી આવવું એ Rarest of the rare cases સમાન છે...મિતુલ પટેલ(આરએફઓ,વાપી વન વિભાગ)
ગાયો રાખવાની ગમાણમાં સફેદ નાગ જોવા મળ્યો :પાંચ ફૂટની લંબાઈ ધરાવતો, આઠથી દસ વર્ષની ઉંમર ધરાવતો આ અલબીનો કોબ્રા ખૂબ જ આક્રમક છે. જેને રેસ્ક્યુ કરવા ગયેલી ટીમે અડધો કલાકની જહેમત બાદ તેને રેસ્ક્યુ કર્યો હતો. આ સફેદ સાપ અંગે ઇમર્જન્સી રેસક્યુ ફોર ચેરીટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર અને ટ્રેનર મુકેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે વાપી નજીકના કરવડ ગામમાંથી મનીષભાઈ નામના વ્યક્તિએ તેમને ફોન કરીને જણાવ્યું હતું કે તેમને ઘરે ગાયો રાખવાની ગમાણમાં એક સફેદ કલરનો નાગ જોવા મળ્યો છે. જે બાદ તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં નાગ પ્રજાતિનો આ સાપ હકીકતમાં સફેદ રંગનો હતો. જેનું રેસ્ક્યુ કરી વન વિભાગને સુપ્રત કરતા પહેલા 2 દિવસ તેને સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો. સાપ ખૂબ જ તંદુરસ્ત છે. પરન્તુ તે અલબીનો ડીસીઝનો શિકાર બન્યો હોઇ સફેદ રંગનો છે.
સફેદ નાગને વન વિસ્તારમાં મુક્ત કરાયો હતો સાપ કરડે તો હોસ્પિટલમાં સારવાર લેવી : રેસ્ક્યુ ટીમનું માનીએ તો આવા સફેદ રંગના સાપ પ્રત્યે લોકોમાં અનેક અંધશ્રદ્ધા પ્રવર્તી રહી છે. એટલે આવો સાપ જ્યારે પણ જોવા મળે છે ત્યારે લોકો તેની પૂજા કરે છે તેને દૂધ પીવડાવે છે. જો કે હકીકતે આવા સાપ જોવા મળે તો તેઓ વ્યવહાર ક્યારેય કરવો જોઈએ નહીં. આ સાપમાં પણ અન્ય નાગ જેટલું જ ઝેર હોય છે. ન્યુરોટોક્સિન નામનું આ ઝેર ધરાવતો નાગ માણસને કરડે તો તેના ફેફસાં સહિતના શરીરના અવયવો પર ગંભીર અસર કરી મોતના મુખમાં ધકેલી દે છે. એટલે સાપ કરડે ત્યારે કોઈ પણ અંધશ્રદ્ધાવાળા ઉપાયો કરવાને બદલે નજીકની હોસ્પિટલમાં સારવાર કરાવવી હિતાવહ છે.
વન વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો : ઉલ્લેખનીય છે કે, પારડી વાપી વનવિભાગ વિસ્તારમાં ચોમાસા દરમ્યાન અનેક પ્રકારના ઝેરી બિન ઝેરી સાપ જોવા મળે છે. જેનું વનવિભાગ અને NGO દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે છે. જે બાદ તેને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડવામાં આવે છે. આ સફેદ રંગના અને અલબીનો ડીસીઝ ધરાવતા અલબીનો કોબ્રાને પણ સુરક્ષિત વન વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો. એક વાત નોંધનીય છે કે, સ્વપ્ન શાસ્ત્રમાં જણાવ્યા મુજબ સફેદ રંગનો સાપ સપનામાં જોવા મળે અથવા સપનામાં કરડતો દેખાય તો ધનલાભ થવાની શકયતા માનવામાં આવે છે. પરંતુ, જાગૃત અવસ્થામાં આવો દુલર્ભ સાપ જોવા મળે તો તેનાથી બચવું હિતાવહ છે.
- મારવાહીના જંગલમાં જોવા મળ્યું સફેદ રીંછ, વીડિયો વાયરલ
- વિદ્યાર્થીની સાથે સાપ પણ ગયો સ્કૂલે, શિક્ષકોએ ન આપી એન્ટ્રી
- નાગ પાંચમનો પાવન તહેવાર શું છે અને કેમ પૂજવામાં આવે છે નાગ દેવતા