વલસાડ : વાપીથી લઇ બોડેલી સુધીના માર્ગ એન એચ 56ને ફોર લેન કરવા માટેનું નોટીફીકેશન બહાર પડ્યા બાદ જમીન સંપદાન પણ કરવામાં આવ્યું છે જેમાં ધરમપુર તાલુકાના 8 ગામો આબાતલાટથી લઇને છેક નાની વહિયાળ સુધીના ગામોમાંથી રોડ પસાર થાય છે. માર્ગ પહોળો થવાથી અનેક ખેડૂતોની જમીન રોડ માર્જીનમાં જઈ રહી છે. 400 આદિવાસી પરિવારના લોકોને તેની અસર થશે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા જમીન માપણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા છે. ઠેર ઠેર ગામોમાં વિરોધ બેઠકો યોજાઈ રહી છે જેમાં એક જ સૂર ઉઠી રહ્યા છે જાન આપીશું પણ જમીન નહીં.
ધરમપુર તાલુકાના ગામોને થશે અસર : વાપી થી શામળાજી સુધીના માર્ગને ફોર લેન કરવાની સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નોટીફીકેશન બાદ વ્યારા તાપી સહિતના વિસ્તારમાં આદિવાસી સમાજની જમીન રોડ માર્જિનમાં જતી હોય વિરોધ ઉઠી રહ્યો છે. ત્યારે આજ માર્ગ ઉપર વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ગામો પણ આવી રહ્યા છે. જેમાં 8 ગામો આંબા તલાટ, થી લઇ આસુરા, બીલપુડી, શેરીમાલ, કાકડકુવા,નાની વહિયાળ,લાકડમાળ સમાવેશ થાય છે જેમાં 400 આદિવાસી પરિવારને તેની અસર થશે. ફોર લેન રોડ થનાર હોય જમીન સંપાદનમાં અનેક ખેડૂતોની ખેતીલાયક જગ્યાઓ રોડ માર્જિનમાં સંપાદિત કરી દેવાઈ છે.
ત્રણ ગામના ખેડૂતો જમીનવિહોણા અને ખાતેદાર મટી જશે :એન એચ 56ફોરલેનની કામગીરીનો અનેક ગામોમાં વિરોધ થઇ રહ્યો છે ત્યારે ધરમપુરના આસુરા પુલ પાસેથી નવું એલાઈમેન્ટ આપી રોડને વળાંક આપવામાં આવ્યો છે. જે ત્રણ ગામોના ખેડુતોની જમીનમાંથી પસાર થનાર છે જેમાં શેરીમાળ, બીલપુડી,બારોલીયા ગામનો સમાવેશ થાય છે. શેરીમાળ ગામે 5 ખેડૂતો એવા છે કે તેઓની સમગ્ર જમીન વિહોણા થશે.5 ખેડૂતોની સમગ્ર જમીન રોડ માર્જીનમાં જનાર છે. સમગ્ર જીવનભર સરકારી નોકરી કરી નિવૃત્તિ બાદ ગામડે પાકું ઘર બનાવી શાંતિ પૂર્વક જીવન વ્યતીત કરવાના સ્વપ્ન જોનારા નિવૃત કર્મચારીઓ જેઓએ હજુ હમણાં જ પાકા મકાનો બનાવ્યા છે, વાસ્તુ પૂજન પણ કરાયું નથી એવા મકાનો પણ રોડ નવા એલાઈમેન્ટમાં જશે જેથી આવા ખેડૂતોની રાત્રિની ઊંઘ ઉડી ચુકી છે.
તાજેતરમાં ધરમપુરના 8 ગામોના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા ઠેર ઠેર બેઠકો યોજી સમગ્ર બાબતનો વિરોધ અને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રક્રિયા અંગે વાટાઘાટો કરવા માટે એન એચ 56 સંઘર્ષ સમિતિની રચના કરવામાં આવી છે. એમાં દરેક ગામના સરપંચ અને અગ્રણીઓ અને ખેડૂતોને સમાવેશ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં એક જ ચર્ચા કરવામાં આવી રહી છે. ખેડૂતો અને આગેવાનો વિકાસના વિરોધી નથી પરંતુ જો વિનાશના ભોગે વિકાસ કરવામાં આવે તે યોગ્ય નથી તેનો વિરોધ છે...રાહુલ પટેલ કન્વીનર, એનએચ 56 સંઘર્ષ સમિતિ