વલસાડ: કોરોનાને પગલે વલસાડ જિલ્લામાં ફસાયેલા શ્રમિકોને પોતાના વતન મોકલવા માટે સરકાર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શહેરી વિસ્તારમાં આ સમગ્ર કામગીરી પાલિકાને સોપવામાં આવી છે જ્યારે ગ્રામીણ કક્ષાએ આ કામગીરી મામલતદાર કચેરીને સોપવામાં આવી છે. જેને પગલે અનેક લોકો પોતાના વતન જવા માટે રજીસ્ટ્રેશન કરાવવા પડાપડી કરી રહ્યા છે.
પાલિકા અને મામલતદાર કચેરીના સંકલનના અભાવે અનેક શ્રમિકો ધરમના ધકકા ખાઇ રહ્યા છે. સોમવારે વલસાડ મોગરાવાડી ઝોન ઓફિસ ખાતે સેંકડોની સંખ્યામાં શ્રમિકો રજીસ્ટ્રેશન કરાવવા માટે ઉમટયા હતા. જોકે મોગરાવાડી ઓફિસના અધિકારીઓએ આ તમામને મામલતદાર કચેરી જવા માટે સૂચન કરવામાં આવ્યુ હતું. જ્યારે મામલતદાર કચેરીએ શ્રમિકો પહોંચ્યા ત્યારે તેેઓએ આ સમગ્ર લોકોને રજીસ્ટ્રેશન માટે મોગરાવાડી જોન ઓફીસ જવા માટે કહેવામાં આવ્યું હતું.