કલગામ :દર વર્ષે ધામધૂમપૂર્વક સમગ્ર દેશના દરેક મંદિરે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે વલસાડના કલગામે હનુમાન જયંતિના પાવન પર્વ દરમિયાન પ્રસિદ્ધ રાયણીવાળા દાદા તરીકે પ્રખ્યાત હનુમાન મંદિરે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે. ત્યારે આજે પણ અહીં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રાયણીવાળા દાદાના દર્શને ઉમટ્યા છે. ટ્રસ્ટ દ્વારા હોમ હવન, યજ્ઞ, મહાઆરતી અને ધ્વજા રોહણના કાર્ય કરવામાં આવ્યું છે.
દાદા દરેક મનોકામના પૂર્ણ કરે છે :વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ કલગામ હનુમાન મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતિક છે. અહીં રાયણના ઝાડના થડમાં બિરાજમાન હનુમાન દાદા રાયણીવાળા હનુમાન તરીકે પ્રસિદ્ધ છે. અંદાજિત 400 વર્ષ જુના આ મંદિરે હનુમાન જયંતિએ 40 હજાર ભક્તો દર્શને આવે છે. મંદિરમાં આજના શુભ દિવસ નિમિત્તે કરેલા ધાર્મિક આયોજનો અંગે જણાવી ટ્રસ્ટના પ્રમુખ ઠાકોરભાઈએ જણાવ્યું હતું કે, વર્ષોથી અહીં શ્રદ્ધાળુઓ દર્શને આવે છે. અને દાદા તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે. મંદિર પ્રાંગણમાં ભવ્ય મંડપ હેઠળ હોમહવનના આયોજન થાય છે. વહેલી સવારે મહાઆરતી બાદ મંદિર શિખર પર ધ્વજા રોહણ કરવામાં આવે છે. બપોરે મહાપ્રસાદનું આયોજન હોય છે. સાંજે મહાઆરતી કરવામાં આવે છે. દૂરદૂરથી લોકો દાદાના દર્શને આવે છે.
શ્રધ્ધાળુઓની ભક્તિ :પ્રસિદ્ધ રાયણીવાળા હનુમાન દાદાના મંદિરના ઇતિહાસ અંગે પૂજારી આકાશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, દરિયા કિનારે ડુંગરાળ અને લીલાંછમ જંગલોથી ઘેરાયેલા કલગામ ગામે બિરાજેલા હનુમાન દાદાના ભક્તોમાં માન્યતા મુજબ કલગામમાં તેઓએ અહીં મંદિર નિર્માણ માટે દેવતાઓને આહવાન કરેલું. જે દરમિયાન ગામના ગામ દેવ કહેવાતા ભરમ દેવને આમંત્રણ આપવાનું વિસરી ગયા હતાં. તેથી રાત્રે જ્યારે મંદિર નિર્માણ થતું હતું અને કામ અધૂરું હતું, ત્યારે ભરમ દેવે કૂકડો બની બાંગ પોકારી ગામલોકોને જગાડી દીધા હતા. જેથી મંદિર નિર્માણનું કાર્ય અધૂરું છોડી દેવતાઓ જતા રહ્યા અને હનુમનદાદા અહીંના રાયણના ઘટાદાર વૃક્ષમાં સમાઈ ગયા. ત્યારથી તે અહીં સ્વયંભૂ બિરાજમાન છે. શ્રદ્ધાળુઓ શ્રદ્ધા ભક્તિથી તેને રાયણી વાળા હનુમાન તરીકે પૂજે છે.
દાદા પ્રચંડ પરચાધારી :હનુમાન દાદાના સાંનિધ્યમાં દર વર્ષે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવે છે. મહાવદ સાતમે પાટોત્સવ, રામનવમી, હનુમાન જયંતી, ગણેશ ચતુર્થી અને તુલસી વિવાહની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. ઉપરાંત શ્રાવણ માસના દરેક શનિવારે અહીં મેળો ભરાય છે. મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી પગપાળાએ દર્શન કરવા આવે છે. ભક્તોનું માનવું છે કે દાદા પ્રચંડ પરચાધારી છે. તેમની પાસે જે પણ માંગ્યું છે તે અવશ્ય મળ્યું છે.