આ સમસ્યાને પહોંચી વળવા માટે સરકારી તંત્ર દ્વારા અહીં ચેકડેમ બનાવવામાં આવ્યા હતા, પરંતુ ચેકડેમ અનેક જગ્યાએ લીકેજ હાલતમાં, તો કેટલીક જગ્યાએ તેની ઊંચાઈ યોગ્ય પ્રમાણમાં ન હોવાથી અહીં પાણી રોકી શકવાનો હેતુ સિદ્ધ થયો નથી. જેના કારણે અહીં બનાવવામાં આવેલા અનેક ચેકડેમો ઉનાળા દરમિયાન સૂકા ભટ્ટ થઈ જાય છે. અહીંના લોકોને પીવાના પાણીની સમસ્યા તો ઉદભવે છે. સાથે-સાથે ખેતી અને પશુઓ માટે પણ પાણીની મુશ્કેલી સર્જાઈ છે.
વલસાડ જિલ્લાની વાત કરવામાં આવે તો વલસાડ જિલ્લામાં વર્ષ 2003થી ધરમપુર, કપરાડા, પારડી, ઉંમરગામ અને વલસાડ જેવા વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી રોકવા અને જમીનનું જળ સ્તર ઉપર આવે તેવા હેતુથી ચેકડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ આ ચેક ડેમ જ્યાં બનાવવામાં આવ્યો છે. તે સ્થળે ઉપર તેનો હેતુ સિદ્ધ થયેલો જણાતો નથી. કપરાડા અને ધરમપુર વિસ્તારના ઊંડાણવાળા ગામોમાં નદી ઉપર બનાવવામાં આવેલા મોટા ભાગના ચેકડેમો માલ મટીરીયલ્સ યોગ્ય પ્રમાણમાં ન વાપરવાને કારણે લીકેજ થઇ ગયા છે.
તો કેટલાક સ્થળે ચેકડેમ કમ કોઝવે બનાવવામાં આવ્યો છે. જ્યાં આગળ કેટલાક લોખંડના દરવાજાઓ ચોરાઈ ગયા છે. જેના કારણે પાણી રોકવાનો જે હેતુ છે. તે હેતુ સિદ્ધ થતો નથી અને પાણી વહી જતું હોય છે. સ્થાનિક લોકોને ખેતીવાડીમાં પાણી મળતું જ નથી. પીવાના પાણી માટે પણ વલખાં મારવા પડે છે.
દમણગંગા સિંચાઈ વર્તુળના આશરે 2 હજાર ચેકડેમ ભરઉનાળે સુકા ભઠ
વાત કરીએ વલસાડ જિલ્લાની દમણગંગા સિંચાઈ વર્તુળ દ્વારા તારીખ 31-03-2019 ના અંત સુધીમાં અંદાજિત 2,112 જેટલા નાના મોટા ચેકડેમો બનાવવામાં આવ્યા છે. તાલુકા આધારિત વાત કરીએ તો વલસાડમાં 281 પારડીમાં 55 વાપીમાં 20 ઉમરગામમાં 91 ધરમપુરમાં 962 કપરાડામાં 703 આમ સમગ્ર વલસાડ જિલ્લામાં 2112 જેટલા નાના મોટા ચેકડેમોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
જ્યારે આ તમામ ચેકડેમ ઉપર વિઝીટ કરવામાં આવી ત્યારે તમામ ચેકડેમ ક્યાંક તો જર્જરિત હાલતમાં છે. કેટલાક લીકેજ છે, કેટલાકના લોખંડના બનાવવામાં આવેલા દરવાજાઓ ચોરાઈ ગયા છે. જેના કારણે વરસાદી પાણી રોકવા માટેનો જે હેતુ છે, તે હેતુ સિદ્ધ થતો નથી. વરસાદનું પાણી તમામ વહી જતું હોય છે. અહીંનું જમીન સ્તરનું પાણીનું લેવલ ખૂબ જ નીચે જતું રહ્યું છે. ઉનાળો શરૂ થાય તે પૂર્વે જ સ્થાનિક લોકોને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે.
નોંધનીય છે કે, માત્ર દમણગંગા સિંચાઈ વર્તુળ વિભાગના ચેકડેમની વાત થઇ છે. જ્યારે સિંચાઈ વિભાગ, પાણી પુરવઠાના અને વાસ્મો જેવી સંસ્થાઓના સહયોગથી પણ અનેક નાના મોટા ચેકડેમો બન્યા છે. પરંતુ આ તમામ ચેકડેમો યોગ્ય દેખરેખ અને માલ મટીરીયલ્સની ગુણવત્તા યોગ્ય ન વાપરવાને કારણે તૂટેલા તો એક સાઇડ ઉપરથી લીકેજ હોવાને કારણે પાણીનો સંગ્રહ કરી શકે તેવું નથી. જેના કારણે આ તમામ ચેકડેમોના વાપરવામાં આવેલા રૂપિયા રદબાતલ ગયા હોવાનું ખેડૂતો પણ વર્ણવી રહ્યા છે.
સરકારી તંત્રના અધિકારીઓ જ્યારે પાણીનો પોકાર ઊઠે છે. ઉનાળા દરમિયાન અહીં આવી વિઝીટ કરી સર્વે કરી જતા હોય છે. પરંતુ જેવું ચોમાસુ શરૂ થાય બાદ અહીં કોઇ પણ અધિકારીઓ જોવા સુધ્ધાં આવતા નથી. વર્ષોથી લીકેજ બનેલા ચેકડેમો આજે પણ એ જ અવસ્થામાં પડી રહ્યા છે.
દમણગંગા સિંચાઈ વર્તુળ વિભાગના ઇજનેર એમ કે ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં બે હજારથી વધુ નાના-મોટા ચેકડેમો 2003થી બનાવવામાં આવ્યા છે. તેની દેખરેખ પણ કરવામાં આવે છે. આગામી દિવસમાં પણ 40 થી વધુ નવા ચેકડેમો બનાવવાની તૈયારીઓ શરૂ થઈ છે. આ ચેક ડેમ બનાવવાને કારણે પાણીના જે સ્તરો છે. તે વધુ ઉપર આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.