એવું જ એક તળાવ ઉમરગામ જિલ્લાનું ટીમ્ભી ગામનું છે જે વગર પરમિશને જ ખોદાઇ ગયું અને માટી સગેવગે પણ થઈ ગઈ છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં કુલ 17 તળાવને સૂઝલામ સુફલામ યોજના હેઠળ ઊંડું કરવાની પરવાનગી નહેર વિભાગે આપી હતી. આ તમામ તળાવો 12મી જૂન સુધી જ ઊંડા કરવાની મંજૂરી હોવા છતાં 12મી જૂન બાદ 19મી જૂન સુધી પણ તમામ તળાવોમાં માટી કાઢવાની અને વેન્ચવાની કામગીરીઓ જોરમાં ચાલી રહી છે.
સૂઝલામ સુફલામ યોજના હેઠળ પરમિશન વગર ઉમરગામનું તળાવ ખોદાઈ ગયું! - valsad
વલસાડ: ગુજરાત સરકાર દ્વારા છેલ્લા બે વર્ષથી રાજ્યના તમામ જિલ્લામાં સૂઝલામ સુફલામ યોજના હેઠળ ગામના તળાવો ઊંડા કરવાની કામગીરી હાથ ધરાઈ છે. પરંતુ મોંઘી માટી અને એ પણ રોયલ્ટી ફ્રીના આ ધંધામાં ખાનીજ ચોરોએ નિયત મર્યાદાથી વધુ ઊંડા તળાવ ખોદીને માટીમાંથી તગડી કમાણી તો કરી જ છે સાથે સાથે સરપંચ અને સભ્યો સાથે મળી એવા તળાવ પણ ખોદી નાખ્યા જે તળાવ ઊંડા કરવાની પરમિશન જ નથી મળી.
તેમાં પણ સૌથી વધારે નવાઈ પમાડતી વાત એ છે કે, ઉમરગામ તાલુકાના ટીમ્ભી ગામનું તળાવ આ સૂઝલામ સુફલામ યોજના હેઠળ ઊંડું કરવાની કોઈ જ પરવાનગી વિના બે રોકટોક ખોદાઈ ગયું છે. જેની જાણ તંત્રને હોવા છતાં તંત્ર એ અંગે ગામના સરપંચ, તલાટી કે તળાવની માટીનું ખોદકામ કરનાર ઠેકેદાર સામે કોઈ જ પગલાં ભરતું નથી. આ સમગ્ર મામલે દમણગંગા નહેર હસ્તક સૂઝલામ સુફલામ યોજનાના તળાવો ઊંડા કરવાની જે પરવાનગી આપવામાં આવી છે. તેમા ટીમ્ભી ગામના તળાવનો સમાવેશ જ નથી તેવું એક્ઝિક્યુટિવ એન્જીનીયર પંડ્યાએ જણાવ્યું હતું. તો પછી ગામના સરપંચે કઈ રીતે આ તળાવ ઊંડું કારવાનું કામ ઠેકેદારને આપ્યું તેના પર સવાલો સર્જાયા છે.
મળતી માહિતી મુજબ આ કામ કોઈ રાજેશ પટેલ અને તેનો પાર્ટનર કરી રહ્યા છે. જેઓએ કોઈપણ પરમિશન લીધા વિના ટીમ્ભીના તળાવની માટીને જેસીબીથી ઉલેચી એક હજારથી પણ વધુ ટ્રક માટી બારોબાર વેંચી નાખી છે. જાણકારોના મતે આ એક ખુબજ મોટું કૌભાંડ છે. અને તેમાં ગ્રામ પંચાયત ઉપરાંત દમણગંગા નહેર વિભાગના સાહેબની પણ મીઠી નજર હેઠળ આ તળાવની માટીનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. ત્યારે, હવે આ સમગ્ર મામલે તંત્ર ટીમ્ભીના તળાવની કામગીરી અને માટીની રોયલ્ટી સહિતના મુદ્દે પગલાં લેશે કે કેમ તેના પર મીટ મંડાઈ છે.