વાપી નજીક ચણોદ કોલોની વિસ્તારમાં કાલિકા માતાજીના મંદિર નજીક રહેતા રેખાબેન બ્રહ્મદેવ મહેતા અને તેની બહેનપણી દુર્ગા શેતર ખડસે ઘરમાં એકલા હતાં ત્યારે એક લાલ કલરની મોટરસાયકલ પર બે યુવાનો આવ્યાં હતાં. જેમાના એક યુવકે રેખાબેનના ઘરમાં પ્રવેશ કરી ફાયરિંગ કર્યું હતું. જેમાં બંને મહિલાઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ મોતને ભેટી હતી. આ ચકચારી હત્યા બાદ બને હત્યારા નાસી છૂટ્યા હતાં.
હત્યાની જાણ થતાં જ વાપી GIDC, ડુંગરા પોલીસ, SOG, LCB ની ટીમ ઘટના સ્થળે ધસી ગઈ હતી. હત્યાની ઘટના બાદ વલસાડ જિલ્લા પોલીસની સૂચનાથી મુખ્ય માર્ગો પર નાકાબંધી ગોઠવી હતી. સમગ્ર ઘટના અંગે DYSP વી. એન. પટેલે વિગતો આપતા જણાવ્યું હતું. કે રાત્રે 8:45 વાગ્યે બે અજાણ્યા ઈસમોએ આવી મોઢે બુકાની બાંધી આ બંને મહિલાઓ પર ફાયરિંગ કર્યું હતું. મૃતક રેખાબેન પોતાના ઘરે એકલા રહે છે. તેમના પતિનું અગાઉ મૃત્યુ થઈ ચૂક્યું છે. જ્યારે તેમનો પુત્ર તેનાથી અલગ રહે છે. તો, 26મી ડિસેમ્બરથી તેમની બહેનપણી અને મહારાષ્ટ્રની દુર્ગા બેન તેમના ઘરે રહેવા આવી હતી.