વલસાડ: શહેરથી 7 કિલોમીટર દૂર તિથલ ખાતે આવેલો અરબી સમુદ્રનો દરિયા કિનારો પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. દરિયા કિનારે એક તરફ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે. બીજી તરફ દરિયા કિનારે સાઈ બાબાનું મંદિર પણ આવેલું છે. બે ધાર્મિક સ્થળ તિથલ ખાતે આવેલા હોવાથી અનેક લોકો અહીં આવી ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ ધન્યતા અનુભવે છે.
પર્યટકોને ધ્યાનમાં રાખી વિશેષ સુવિધાઓ
પર્યટકો માટે અહીં અનેક પ્રકારની સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. નાના બાળકો માટે અનેક રાઈડ્સ મુકવામાં આવી છે. અહીં ખાણી પીણીની લારીઓ પણ ઉપલબ્ધ છે. જેથી બહારથી આવનારા પર્યટકો દરિયા કિનારાનો આનંદ લઇ શકે. નજીકમાં જાહેર શૌચાલય પણ બનાવવામાં આવ્યા છે.
કોરોના બાદ તિથલના દરિયા કિનારાની રોનક ફિક્કી પડી... જુઓ વિશેષ અહેવાલ
વલસાડના દક્ષિણે આવેલો તિથલનો દરિયો મુંબઈ અને સુરતના પ્રવાસીઓ માટે વર્ષોથી આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. હાલ કોવિડ-19ની પરિસ્થતિ વચ્ચે પર્યટકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે દિવાળીના તહેવાર પર લોકો પરિવારજનો સાથે દરિયા કિનારે પ્રકૃતિ અને ઘૂઘવતા સમુદ્ર કિનારે આવી રહ્યા છે.
દિવાળીના તહેવારોને પગલે પર્યટકોની સંખ્યા મહદ અંશે વધારો થયો
અનલોકડાઉન બાદ તિથલ બીચ ખુલ્લો મુકાયો હોવાની જાહેરાત થતાની સાથે જ વલસાડ વાસીઓની સાથે સાથે સાંજ ઢળતા જ પર્યટકો પોતાના પરિવાર સ્વજનો સાથે મોઢે માસ્ક બાંધીને દરિયા કિનારે પહોંચતા જોવા મળી રહ્યા છે. સામાન્ય દિવસોમાં દરિયા કિનારે 3000થી વધુ લોકો તહેવારોમાં આવતા હોય છે. પરંતુ કોવિડ બાદ પર્યટકોની સંખ્યામાં મહદઅંશે ઘટાડો જોવા મળી રહ્યો છે.
તહેવારોમાં રોનક ફરી પાછી ફરશે એવી સ્થાનિકોને આશા
દર વર્ષે દિવાળી નૂતન વર્ષ દરમિયાન અનેક પર્યટકો પોતાના પરિવાર સાથે દરિયા કિનારે આવતા હોય છે. કોવિડ બાદ અનલોક અમલમાં મુકવામાં આવ્યું છે છતાં લોકો તહેવારોમાં પરિવાર સાથે આવશે એવી આશા લોકો વ્યક્ત કરી રહ્યા છે અને અગાઉની જેમ તિથલ બીચની રોનક પણ પરત ફરશેનું તેઓ માની રહ્યા છે.
- વલસાડથી તેજસ દેસાઈનો અહેવાલ