- દિવાળી પર્વ નિમિત્તે ફટાકડા બજારમાં તેજી
- ગ્રાહકો ગ્રીન ફટાકડા ખરીદી પર્યાવરણ જાગૃતિ તરફ વળ્યા
- દેવિદેવતાઓના સ્ટીકર વાળા ફટાકડા ગાયબ
વલસાડ: આ વર્ષે ફટાકડા બજારમાં ભારે તેજીનો પવન ફૂંકાયો છે. ફટાકડા (Fireworks) ના વેપારીઓને ત્યાં ફટાકડા ખરીદવા ગ્રાહકો આવી રહ્યા છે. આ વખતે ફટાકડા બજારમાં ભાવ વધારો હોવા છતાં પણ ગ્રાહકો પાછલા 2 વર્ષમાં કોરોનાનો કારણે ફટાકડા ફોડી નહોતા શક્યા એટલે આ વર્ષે ઉત્સાહભેર ફટાકડા ખરીદી રહ્યા છે. વેપારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે ગ્રીન ફટાકડાની ડિમાન્ડ છે. દેવિદેવતાઓના પોસ્ટરવાળા અને ચાઈનીઝ ફટાકડા પર પાબંધી છે.
ફટાકડાની ખરીદી ન થાય તો દિવાળી પર્વ અધુરૂ ગણાય
દિવાળી (Diwali) ના મહાપર્વમાં મીઠાઈ, કપડા, ગૃહ સુશોભનની ચીજવસ્તુઓ સાથે જો ફટાકડા (Fireworks) ની ખરીદી ન થાય તો દિવાળી પર્વ અધુરૂ ગણાય, એટલે જ દર વર્ષે દિવાળી પર્વે ફટાકડા બજારમાં તેજી પ્રવર્તતી હોય છે. સમગ્ર દેશમાં દિપોત્સવી પર્વનાં સૂર્યાસ્ત બાદ આકાશ રંગબેરંગી આતશબાજીથી છવાઈ જાય છે. ઘરોઘર ફટાકડાના અવાજ ગુંજી ઉઠે છે. જમીન ચક્કર, ભંભુ, ફૂલઝરી, સૂતરી બોમ્બ, રોકેટ વગેરે પ્રકારના ફટાકડા લોકોનાં આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. વેપારીઓના મતે આ વર્ષે દિવાળીમાં ફટાકડા બજારમાં ગ્રીન ફટાકડાની ડિમાન્ડ છે.
રેગ્યુલર ફટાકડાની ડિમાન્ડ યથાવત છે
ફટાકડાના વેપારી મહેન્દ્રસિંહ જાડેજાએ Etv Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, એક તરફ આ વર્ષે ફટાકડાની નવી વેરાયટી બજારમાં ઉપલબ્દ્ધ નથી. રેગ્યુલર ફટાકડા (Fireworks)ની ડિમાન્ડ યથાવત છે. તેની સાથે ગ્રાહકો ગ્રીન ફટાકડાની ખરીદી વધુ કરી રહ્યા છે. ઓછા પ્રદૂષણ માટે આ ફટાકડાની માગ છે, જેમાં થોડો ભાવ વધારો છે. પર્યાવરણને બચાવવા લોકો ગ્રીન ફટાકડાની ખરીદી વધુ કરી રહ્યા છે. દેવિદેવતાઓના પોસ્ટરવાળા ફટાકડા પર કારખાનાના માલિકોએ જ પાબંધી લગાવી છે. એટલે આ વર્ષે દેવિદેવતાઓના પોસ્ટર વાળા ફટાકડા માર્કેટમા આવ્યા નથી. લોકલ ફોર વોકલ સૂત્રને અનુસરીને ચાઈનીઝ ફટાકડા પણ વેપારીઓએ ખરીદ્યા નથી. એટલે ફટાકડા બજારમાં ભારતીય બ્રાન્ડના અને ઓછું પ્રદુષણ ફેલાવતા ફટાકડા જ ઉપલબ્ધ્ધ છે. જેને લોકો વધુ ખરીદી રહ્યા છે.