વલસાડ જિલ્લાના પારડી શહેરમાં તસ્કરોને તંત્રનો ડર રહ્યો નથી. શહેરમાં આવેલી જય જલારામ જવેલર્સ દુકાનને તસ્કરોએ પોતાનું નિશાન બનાવ્યું છે. તસ્કરોએ દુકાનમાં રાખેલી કોડ નંબર વાળી તિજોરી ખોલી રોકડ રૂપિયા તેમજ 5 કિલો 400 ગ્રામ જેટલા સોના-ચાંદીના દાગીના મળી અંદાજે 1.5 કરોડથી વધુની કિંમતના મુદ્દામાલની ચોરી કરી છે. આ ઉપરાંત તસ્કરોએ CCTVનું DVR પણ ચોરી કર્યું છે. જેથી પોલીસ પણ હરકતમાં આવી છે.
દુકાનના માલિક દિલીપ પારેખ ગત 26 ડિસેમ્બરથી પરિવાર સાથે સૌરાષ્ટ્રના મંદિરે દર્શન કરવા ગયા હતા. મંગળવારે સવારે તેઓ વતન પરત ફર્યા, ત્યારે ચોરી થયાનો ખ્યાલ આવ્યો હતો. દિલીપ પારેખનું ઘર અને દુકાન સાથે હોવાથી તસ્કરોએ ઘરની છત પર આવેલા દરવાજાની ગ્રીલ કાપી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ દિલીપ પારેખના ઘરમાં બેસીને દારૂની મહેફિલ પણ માણી હતી. ઘરની અંદર ત્રણ જેટલા ગ્લાસ અને દારૂની બોટલ પણ મળી આવી હતી.