- સમગ્ર રાજ્ય સહિત વલસાડ જિલ્લામાં ભારે વરસાદ
- ધરમપુરની પાર નદી પરનો પુલ પાણીમાં ગરકાવ
- દર ચોમાસાની ઋતુમાં ગ્રામજનોનો એક જ પ્રશ્ન આજદિન સુધી યથાવત
- ધરમપુર તાલુકાના અનેક ગ્રામજનો મુશ્કેલીમાં મૂકાયાં
- તંત્રમાં અનેક રજૂઆતો છતા આજદિન સુધી કોઇ પગલા લેવાયા નહીં
વલસાડઃ સમગ્ર રાજ્ય સહિત જિલ્લાના ધરમપુર તાલુકામાં સારો એવો વરસાદ નોંધાયો છે. ધરમપુર તાલુકાના એવા ઘણા ગામ છે, ત્યાંના લોકોને ચોમાસાની ઋતુ દરમિયાન ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જિલ્લામાં નીચાણવાળા પૂલ પર વરસાદી પાણી ફરી વળતા સ્થાનિકોને જીવના જોખમે પસાર થવું પડતું હોય છે. તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ આવા નીચાણવાળા બ્રિજને ઊંચો બનાવવા માટે આજદિન સુધી કોઈપણ કામગીરી ન કરતાં પરિસ્થિતિ ચોમાસા દરમિયાન ગંભીર બને છે.
ધરમપુર તાલુકાના ધામણી અને કુંડા ગામ વચ્ચેથી વહેતી પાર નદી પર બનેલો નીચાણવાળો બ્રિજ દર વર્ષે ચોમાસામાં સામાન્ય વરસાદ આવતા જ ડૂબી જતો હોય છે. જેના કારણે ૨૦થી ૨૫ જેટલા ગામના લોકોને આવન-જાવન માટે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હાલ છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને પગલે સતત ત્રણ દિવસથી આ પૂલ પાણીમાં ગરકાવ થયો છે.