- ભારતીય કોસ્ટ ગાર્ડે 12 ક્રુ મેમ્બરોને બચાવ્યા
- ઉમરગામ નજીક દરિયામાં ફસાયું હતું MV કંચન જહાંજ
- જહાજ માલિકને પ્રદુષણ ફેલાવવા મામલે નોટિસ પાઠવાઈ
વલસાડ: ઉમરગામ તાલુકાના નારગોલ બંદર નજીક દરિયામાં ગુજરાતનું MV કંચન નામનું જહાજ ફસાયું હતું. 50 નોટિકલ માઇલના ઝડપે ફૂંકાતા પવન અને 3.5 મીટર ઉછળતા મોજામાં ફસાયેલા જહાજના 12 ક્રુ મેમ્બરોને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard) દ્વારા બચાવી લેવાયા છે. જેની ખાલી લાઈફ બોટ માલવણ બીચ પર આવતા પોલીસે તેનો કબ્જો લીધો છે. આ ઘટનામાં જહાજના માલિકને દરિયામાં ઓઈલનું પ્રદુષણ ફેલાવવા બદલ કલમ 356 હેઠળ નોટિસ પાઠવવામાં આવી છે.
MRCC મુંબઈ દ્વારા આ રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડવામાં આવ્યું
Indian Coast Guard (ICG) દ્વારા વિગતો આપવામાં આવી હતી કે ગુજરાતના ઉમરગામના દરિયામાં 12 ક્રુ મેમ્બરો સાથેનું MV Kanchan નામનું જહાજ ફસાયું છે. જેના ક્રુ મેમ્બરોને બચાવવામાં આવે આ મેસેજ બાદ કોસ્ટ ગાર્ડે 12 ક્રુ મેમ્બરોને બચાવી લીધા છે. બુધવારે દરિયામાં 50 નોટિકલ માઇલનો પવન ફૂંકાયો હતો અને દરિયો તોફાની બનતા 3.5 મીટરના મોજા ઉછળતા જહાજના એન્જીનમાં પાણી ભરાતા એન્જીન ખરાબ થયું હતું. જે અંગે આસપાસના અન્ય જહાજ મારફતે સંપર્ક સાધી મોડી રાત્રે Maritime Rescue Coordination Centre (MRCC) મુંબઈ દ્વારા આ રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
ઉમરગામ મરીન પોલીસે લાઈફ સેવિંગ રબ્બર બોટનો કબ્જો લીધો
આ રેસ્ક્યુ ઓપરેશન(Rescue operation) બાદ ક્રુ મેમ્બરોને બચાવવા દરિયામાં ઉતારેલી ભારતીય બનાવટની 2 લાઈફ બોટ નારગોલ-માલવણ બીચ પર તણાઈ આવી હતી. બંને લાઈફ સેવિંગ રબ્બર બોટ ખાલી હતી. જે અંગે મરીન પોલીસ સ્ટેશનના PSI શક્તિસિંહ ઝાલા સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, હાલ પોલીસે બંને લાઈફ સેવિંગ રબ્બર બોટનો કબ્જો લીધો છે અને લાગતી વળગતી એજન્સીને તેમની જાણ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં હવા ભરેલ લાઈફ બોટ છે. અને કદાચ ક્રુ મેમ્બરોને બચાવવા માટે આ બોટ કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયામાં ઉતારી હશે. જે બાદ ક્રુ મેમ્બરોને રેસ્ક્યૂ કરી લેતા લાઈફ સેવિંગ રબ્બર બોટ દરિયાના મોજા સાથે કાંઠે આવી હશે.
દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરથી દરિયામાં તપાસ કરાઈ
આ તરફ MV Kanchan નામના કાર્ગો જહાજ અંગે દમણ કોસ્ટ ગાર્ડ (Daman Coast Guard) ના હેલિકોપ્ટરથી તપાસ હાથ ધરાઈ હતી. જેમાં દમણ કોસ્ટ ગાર્ડને જહાંજનો કેટલોક ભંગાર અને દરિયાના પાણીમાં ઓઇલ પથરાયું જોવા મળતા તે અંગેની વિગતો Directorate General Shipping (DG) ને મળતા તેમના દ્વારા પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ કલમ 356 હેઠળ MV Kanchan કાર્ગો શિપના માલિકને નોટિસ પાઠવી છે. ઉલ્લેખનીય છે કે, તૌકતે વાવાઝોડા દરમ્યાન દરિયામાં ડૂબેલા ONGC ના જહાજનો કાટમાળ પણ માલવણ બીચ પર આવ્યો હતો. તેમજ 2 જેટલા ક્રુ મેમ્બરોના મૃતદેહો પણ આ વિસ્તારના કાંઠે તણાઈ આવ્યાં હતાં.