વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન અને આગામી 14મી ફેબ્રુઆરીના રોજ ધરમપુર ખાતે જંગી જાહેર સભાને સંબોધન કરી રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. આ ખુશીના અવસરે પારડી ખાતે ઉપસ્થિત રહેલા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, વલસાડની ભૂમિ પર પર આઝાદીની અનેક લડાઈઓ લડાઈ છે. અહીંના અનેક બલિદાનોએ દેશને આઝાદી અપાવી છે, ત્યારે આ વલસાડની પાવન ભૂમિ પરથી રાહુલ ગાંધીના નેતૃત્વમાં આગામી 14 મી ફેબ્રુઆરીના પરિવર્તનનો પવન ફૂંકાશે.
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે, હાલ ભાજપ શાસનમાં ખેડૂતો અને મહિલાઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ધંધા-રોજગાર સહિત વિવિધ પ્રોજેક્ટના નામે ખેડૂતોની જમીન છીનવી આ સરકાર તેમને નોધારા બનાવી રહી છે. ઠેરઠેર આંદોલનનો સૂર ઉઠ્યો છે, ત્યારે આગામી લોકસભા ચૂંટણીમાં સમગ્ર ગુજરાત સહિત દેશમાં અને કોંગ્રેસ સત્તા પર આવી લોકહિતના કાર્યો કરશે. હાલમાં જ સમિતિની થયેલી રચના અંગે જણાવ્યું હતું કે, સમિતિઓની રચનામાં બધાને સાથે રાખીને આગામી દિવસોમાં લોકો વચ્ચે જઈ સંગઠનને મજબૂત બનાવશે.
હાલમાં ચાલી રહેલા અસંતોષ અંગે તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીમાં કોઈ જ અસંતોષ નથી અને જે કંઈ પણ છે, તે માત્ર નાના-મોટા ઇસ્યુ છે. જે અમે સાથે મળીને આગામી દિવસોમાં તેનો ઉકેલ લઇ આવીશું. જ્યારે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં દેશનું ભવિષ્ય ખતરામાં છે. મોંઘવારી, બેરોજગારી વધી રહી છે, ત્યારે રાહુલ ગાંધીના સમર્થનમાં આગામી દિવસોમાં કોંગ્રેસ સત્તા પર આવશે અને સંવિધાન બચાવવાની આ લડાઈમાં આઝાદી મેળવીને ઝંપશે.
વધુમાં જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લામાં પહેલાથી જ માનવામાં આવે છે કે જે વલસાડની સીટ મેળવે તે પક્ષની સરકાર બને છે અને તે માટે જ વર્ષોથી કોંગ્રેસ વલસાડ ખાતેથી પોતાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરતી આવી છે. આ વખતે પણ 14મી ફેબ્રુઆરીથી ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો શ્રી ગણેશ કરવામાં આવશે અને રાહુલ ગાંધીના સમર્થન માટે મોટી સંખ્યામાં કાર્યકરો નાગરિકો ઉપસ્થિત રહી સત્તા પરિવર્તન કરાવવા સહભાગી થશે.
ઉલ્લેખનીય છે કે, વલસાડના પારડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના માજી સાંસદ માજી પ્રમુખ સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સાથે નવસારી અને ડાંગમાંથી પણ સ્થાનિક કોંગ્રેસી કાર્યકરો નેતાઓ પણ ઉપસ્થિત રહયા હતા. જેઓને પ્રદેશના વરિષ્ઠ નેતાઓ આગામી દિવસોમાં રાહુલ ગાંધીના પ્રવાસને ચૂંટણી અંગેનો ઐતિહાસિક પ્રવાસ બને તે માટે અનુરોધ કર્યો હતો.