ભિલાડઃ સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણે 24મી માર્ચથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેને કારણે આવાગમન માટેની મહત્વની લાઈફલાઈન ગણાતી ટ્રેન સેવાને સ્થગિત કરવામાં આવી હતી. આ દરમિયાન હજારો પ્રવાસીઓના રિઝર્વેશન ટિકિટના પૈસા અટકી પડયા હતા. જે પૈસા પ્રવાસીઓને પરત કરવા રેલવે સ્ટેશન પર રિફંડ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
લોકડાઉનમાં રદ થયેલી ટિકીટનું મળશે રિફંડ, ભિલાડમાં રેલવે સ્ટેશન પર રિફંડ કાઉન્ટર શરૂ - ભિલાડ રેલવે સ્ટેશન
લોકડાઉનને કારણે કેટલાય પ્રવાસીઓની રેલવેની ટિકીટ કેન્સલ થઈ હતી. વલસાડમાં તમામ પ્રવાસીઓને તેમનું રિફંડ આપવા ભિલાડ રેલવે સ્ટેશન પર રિફંડ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
ભિલાડમાં પણ શુક્રવારથી રિફંડ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું છે. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને તમામ નિયમોના પાલન સાથે રેલવે વિભાગ દ્વારા રિફંડ આપવામાં આવી રહ્યું છે. વલસાડ જિલ્લાના વલસાડ અને વાપીમાં રેલવે સ્ટેશન પર વેસ્ટર્ન રેલ્વે દ્વારા રિઝર્વેશન સેન્ટર અને ટિકિટ વિન્ડો શરૂ કરાયા બાદ ભીલાડ ખાતે પ્રથમ તબક્કામાં રિફંડ સેન્ટર શરૂ કરાયું છે. આ અંગે ભીલાડ રેલવે સ્ટેશનના ચીફ બુકિંગ સુપરવાઇઝર નિલેશ પટેલે જણાવ્યું હતું કે, વેસ્ટર્ન રેલવે વિભાગ દ્વારા ભીલાડ રેલવે સ્ટેશન પર રિફંડ આપવાનું શરૂ કરાયું છે. જેમાં પ્રવાસીઓનો પણ સંપૂર્ણ સપોર્ટ મળી રહ્યો છે.
હાલ રેલવે વિભાગ દ્વારા શુક્રવારથી રિફંડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ટિકીટ વિન્ડો અને રિઝર્વેશન ટિકીટ સેન્ટર પણ શરૂ કરવામાં આવશે.