વલસાડ નગરપાલિકાના અંધેર વહીવટને લઇને અનેક વાર વોર્ડના સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. થોડા સમય પહેલાં ભાજપના કોર્પોરેટરે સામાન્ય સભામાં પટ્ટી મારી રમકડાં રમીને વિરોધ કર્યો હતો. છતાં તંત્રની આંખ ન ઊઘડતાં ફરી વખત વલસાડ નગરપાલિકાના સભ્ય પ્રવીણભાઈ કચ્છીને વિરોધ કરવાની ફરજ પડી હતી.
વલસાડ પાલિકા સંકુલના દાદર ઉપર પાણી લીકેજ બંધ ન થતાં કોર્પોરેટરે કંકુ ચોખા શ્રીફળ લઈ કર્યો અનોખો વિરોધ - Gujarati news
વલસાડઃ જિલ્લાની નગરપાલિકાના વોર્ડ નંબર 5ના સભ્ય પ્રવિણભાઇ કચ્છીએ પાલિકા સંકુલના દાદર ઉપર ગટરનું પાણી લીકેજ થતું હોવાની રજુઆત પાલિકામાં કરી હતી. છતાં તંત્ર દ્વારા કોઇ પણ પગલાં લેવામાં આવ્યા નથી. આ પહેલાં પ્રવિણભાઇએ તંત્રને અનેકવાર લેખિત રજૂઆત કરી હતી પણ તંત્રએ સમસ્યા સામે આંખ આડા કાન કર્યા હતા. જેથી તેમને તંત્રનો વિરોધ કરવાની ફરજ પડી હતી. નગરપાલિકાની કચેરીએ પહોંચી જઈ દાદર પર બેસી શ્રીફળ કંકુ ચોખા વધાવીને અનોખો વિરોધ કરતા લોકોમાં આશ્ચર્ય જોવા મળ્યું હતું
પાલિકા સંકુલના દાદર ઉપર લીકેજ થતાં પાણી અંગે પ્રવિણભાઇએ તંત્રને અનેકવાર રજૂઆત કરી હતી. તેમ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી તેમણે નગરપાલિકાના દાદર ઉપર બેસી શ્રીફળ કંકુ-ચોખા આવીને પૂજા વિધિ કરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. એમનો આ અનોખો વિરોધ નોંધાવવા પાછળનું કારણ પૂછતા તેમણે જણાવ્યું કે," છેલ્લા અઢી મહિનાથી દાદર ઉપર પાણી લીકેજ થાય છે. જેને લઈને તેમણે અનેક વાર લેખિત અને મૌખિક રજુઆત કરી હતી. પરંતુ પાલિકાના તંત્રના વહીવટે આજ દિન સુધી દાદર ઉપર લીકેજ થતું પાણી બંધ કર્યુ નથી. જેથી આખરે તેમણે કંટાળીને વિરોધ કરવાનો નિશ્ચય કર્યો છે."
ત્યારે તેઓ શ્રીફળ કંકુ-ચોખા અને સમગ્ર સામાન લઈને નગરપાલિકાના દાદર ઉપર પહોંચ્યા હતા. ત્યાં બેસી તેમણે દાદર ઉપર સ્વસ્તિક દોરી શ્રીફળ કંકુ ચોખા વધાવ્યાં હતા. આમ, અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અનેકવાર નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં પણ કોઈ કામ ન થતું નથી. જેથી વોર્ડ નંબર 5 ના સભ્ય પ્રવિણભાઇ કચ્છી પોતાની રજૂઆત જણાવતાં ભાવુક થયા હતા.