વાપી પોલીસ બુટલેગરને છાવરવામાં ફરજ અને નિષ્ઠા ભૂલી - VAPI
વાપી: જીઆઇડીસી વિસ્તારમાં આવેલ જીઆઇડીસી પોલીસ મથક ખાતે બુટલેગરોને છાવરવામાં આવતા હોવાની અનેકવાર ફરીયાદ ઉઠી છે. જેમાં એક બુટલેગરે એક ઉદ્યોગપતિની કાર સાથે અકસ્માત સર્જી દીધા બાદ ઉદ્યોગપતિ સાથે દાદાગીરી કરી પોતાના મળતિયાઓને બોલાવી ઉદ્યોગપતિને માર મારતા ચકચાર મચી છે.
આ અંગે મળતી વિગત મુજબ બુધવારે બપોરે બાર વાગ્યા આસપાસ GJ15-DC-6880 નંબરની એકટીવા બાઈક પર કોચરવાનો એક બુટલેગર દારૂ ભરીને જતો હતો. તે દરમિયાન GIDC વિસ્તારના થર્ડ ફેઈઝમાં આવેલ દિવ્યા ફાર્માસ્યુટિકલ કંપનીના સંચાલક પણ પોતાની કંપનીમાંથી પોતાની કાર નંબર GJ15-2865 મા પસાર થઈ રહ્યા હતા. જેની સાથે આ બુટલેગરે એકટીવાનો અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જાતા એક્ટિવામાં ભરેલ દારૂની બોટલોની માર્ગ પર રેલમછેલ સર્જાઇ હતી. આ અકસ્માત બાદ બુટલેગરે ઉદ્યોગપતિ સાથે દાદાગીરી શરૂ કરી હતી. અને તેમના મળતિયાઓને બોલાવી ઉદ્યોગપતિ સાથે મારામારી પણ કરી હતી.