વલસાડઃ શહેરની મ્યુનિસિપલ હોસ્પિટલમાંથી 2 દિવસ પહેલા ભાગી છૂટેલા બન્ને કોરોના પોઝિટિવ ચોરને ભિલાડ પોલીસે મુંબઇથી ઝડપી પાડ્યા હતા. બન્ને ચોરને ફરી વલસાડની મ્યુનિસિપલ હોસ્પિટલના કોવિડ-19 વોર્ડમાં સારવાર માટે દાખલ કરાયા છે.
LCB પોલીસે ઉમરગામ તાલુકાના સરીગામ ત્રણ રસ્તા પાસેથી ગત તારીખ 17/08 ના રોજ પ્રકાશ ઉર્ફે રાહુલ જયંતિ સોલંકી અને સુનીલ ઉર્ફે કાલીયા તિલકરામ નિશાદને ઝડપીને તેઓ પાસેથી રૂપિયા 2,75,800ના દાગીના અને રૂપિયા 82,500ની કિંમતના 21 મોબાઈલ ફોન તેમજ રોકડા રૂપિયા 57,000 મળી લાખો રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો. નિયમ મુજબ બન્ને આરોપીઓના કોવિડ -19 ટેસ્ટ કરાવતા બન્નેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
વલસાડ કોવિડ હોસ્પિટલમાંથી ભાગી છૂટેલા ચોરોને પોલીસે ઝડપી પાડ્યા વલસાડની મ્યુનિસિપલ હોસ્પિટલમાં પ્રથમ માળે આવેલી કોવિડ-આઇસોલેશન વોર્ડમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે ગત તારીખ 22ના રોજ બંને આરોપી વોર્ડના પાછળના ભાગની બારીમાંથી નીચે ઉતરીને હોસ્પિટલમાંથી ભાગી છૂટ્યા હતા. જે અંગે હોસ્પિટલના તબીબ ડૉ.દિપ્તી પટેલની ફરિયાદને આધારે વલસાડ સીટી પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલનો ગુનો દાખલ કર્યો હતો.
વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદિપસિહ ઝાલાએ આરોપીઓને ઝડપી પાડવા LCB, SOG ઉપરાંત ભિલાડ પોલીસની ટીમો બનાવીને કામે લગાડ્યા હતા. દરમિયાન ભિલાડ પોલીસની ટીમે મોબાઈલ એપને આધારે બન્ને કોરોના પોઝિટિવ આરોપીઓને મહારાષ્ટ્રના બોઇસરથી ઝડપી પાડ્યા હતા.
આ બંને આરોપીઓ કોરોના પોઝિટિવ હોવાથી ફરી વલસાડની મ્યુનિસિપલ હોસ્પિટલના કોવિડ-19 વોર્ડમાં સારવાર માટે દાખલ કરાયા છે અને હોસ્પિટલ પરિસરમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો બન્ને આરોપીઓ ભાગી છૂટ્યા બાદ કોના-કોના સંપર્કમાં આવ્યાં હતા, તે અંગે બંનેની પૂછપરછ કરીને એ લોકોની કોરોનાની તપાસ કરવાની કામગીરી હાથ ધરાઈ છે.