વલસાડઃ હાલમાં અલુણા વ્રતનો પ્રારંભ થયો છે. જેને લઇને ફળો તેમજ સુકામેવાના ભાવોનું બજાર ઉપાડયું છે. જોકે લોકડાઉનને લઈને મધ્યમવર્ગીય પરિવારોમાં જયા પાર્વતી કે અલુણા વ્રત કરતી બાળાઓને પોતાના પરિવાર તરફથી અગાઉ જ્યાં સુકામેવા આપવામાં આવતા હતા તેના સ્થાને હવે પરિવારજનો ફળ ખરીદવા તરફ વળી રહ્યા છે.
વલસાડમાં અલુણા વ્રત શરૂ થતાં લોકોનો ક્રેઝ સુકા મેવાને સ્થાને ફળો ઉપર વધુ - વલસાડ
હાલમાં જ શરૂ થયેલા જયા પાર્વતી અને અલુણા વ્રતને લઈ ફળોના ભાવો વધ્યા છે, તો સાથે સાથે સુકા મેવાના ભાવો જે આખું વર્ષ આસમાને રહે છે એને ખરીદી કરનારા ગણતરીના ગ્રાહકો આવી રહ્યા છે. જેને પણ કોરોનાનું ગ્રહણ નડયું હોવાનું વેપારી જણાવી રહ્યા છે.
જોકે ફળોના ભાવ પણ આસમાને હોવાથી જ્યાં લોકો 1 કિલોની ખરીદી કરતા હતા તેના સ્થાને 500 ગ્રામ કે 250 ગ્રામ જેટલી ખરીદી કરી રહ્યા છે. વલસાડ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં હાલમાં ફળોના ભાવમાં પણ વધારો થયો છે હાલમાં કેળાના ભાવ 40 રૂપિયા મળી રહ્યા છે. જ્યારે જયા પાર્વતીના વ્રતમાં ઉપયોગમાં લેવામાં આવતા ફળ તરીકે આલુ 160 થી 200 રૂપિયા કિલો મળી રહ્યા છે તો બજારમાં વેચાણ અર્થે આવેલી ચેરી 400 રૂપિયા કિલો મળી રહી છે. સફરજન 140 થી 200 રૂપિયાના ભાવે વેચાણ થઈ રહ્યું છે.
આ ઉપરાંત સુકામેવાની વાત કરીએ તો અખરોટ 900 રૂપિયા કિલો વેચાઇ રહ્યું છે. પિસ્તા 2000 રૂપિયા કિલો વેચાઇ રહ્યા છે, જ્યારે બદામનો ભાવ 700 થી 800 રૂપિયાની આસપાસ પહોંચ્યો છે. સુકામેવાના વેપારીએ જણાવ્યું કે, હાલમાં ગ્રાહકોની સંખ્યા અગાઉ કરતા ઓછી જોવા મળી રહી છે. જેનું મુખ્ય કારણ લોકડાઉનની અને કોરોનાની અસર છે તો બીજી તરફ બજારમાં જેઓ સુકામેવાની ખરીદી કરતા હતા તેઓ ભાવ વધારાને કારણે હવે માત્ર ફળોની ખરીદી કરતા નજરે પડી રહ્યા છે.
મહત્વનું છે કે, જયા પાર્વતી અને અલુણા વ્રત આવતાની સાથે જ ફળો અને સુકામેવાના ભાવોમાં ઉછાળો દર વર્ષે જોવા મળે છે. આ વર્ષે પણ ફળોના ભાવ 20 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. જેને લઇને ખરીદનારો વર્ગ 1 કિલોની ખરીદી કરતો હતો તેના સ્થાને 500 ગ્રામ કે 250 ગ્રામ જેટલી ખરીદી કરી રહ્યા હોવાનું વેપારીઓ મારફતે જાણવા મળી રહ્યું છે.