વાપી: વાપીના ગફુર બિલખિયાને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગફુરચાચાના હુલામણા નામે જાણીતા અને ગાંધીવાદી વિચારધારાથી પ્રભાવિત ઉદ્યોગપતિ અને સમાજસેવી ગફુરભાઈ બિલખિયાને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. પોતાને પદ્મશ્રી એવોર્ડ મળશે તે અંગે ખુશીની લાગણી વ્યક્ત કરતાં ગફુરભાઈએ જણાવ્યું હતું કે, તેમને મળેલો એવોર્ડ ગરીબોની સેવા અને સમાજની કૃપાથી મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે ગફુર ચાચાએ કહ્યું કે, તેઓ દેશના વિકાસ માટે કામ કરે છે.
વાપીના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવી ગફુર બિલખિયાને અપાશે પદ્મશ્રી એવોર્ડ - Narendra Modi
ભારત સરકારે દર વર્ષની જેમ આ વર્ષ પણ ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ દેશના શ્રેષ્ઠ કર્મવીરોને પદ્મ પુરષ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. જેમાં આ વખતે વાપીના જાણીતા ઉદ્યોગપતિ, સમાજસેવી અને ગાંધીવાદી વિચારધારાથી પ્રભાવિત ગફુરભાઈ બિલખિયાને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે.
ગફુરભાઈએ જણાવ્યું કે, પદ્મશ્રી એવોર્ડ માટે તેમના નામની જાહેરાત થયા બાદ તેમના પરિવાર, મુસ્લિમ સમુદાય અને તેમની સાથે જોડાયેલા ગરીબ પરિવારોમાં આનંદની લાગણી ઉદભવી છે. તેમની કૃપાથી જ આ સન્માન પ્રાપ્ત થયું છે. પોતાના જીવનકાળ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, 'જીવનમાં શિક્ષણનું ખૂબ જ મહત્વ છે. તેમનો જન્મ એક ગરીબ મુસ્લિમ પરિવારમાં થયો હતો. 10 વર્ષની ઉંમરે તેણે પિતાની છત્રછાયા ગુમાવી હતી'.
ગફુર બિલખિયાનો જન્મ 9 માર્ચ 1935ના રોજ સાવરકુંડલાના વંડા ગામમાં થયો હતો. તેમનું શિક્ષણ મર્યાદિત હતું પરંતુ તેમણે યુવા વયથી જ સમાજ સેવાને જીવનનો ભાગ બનાવ્યો હતો. તેઓ આઝાદી પછી પણ લોકસેવા અને સમાજ પરિવર્તનની કામગીરીમાં જોડાયેલા રહ્યાં હતાં.