મોટાભાગે ટ્રક અને કન્ટેનર જેવા હેવી વાહનો ફેરવતા ચાલકો માટે લાયસન્સ કઢાવવું ઘણું કપરું બનતું હતું, સામાન્ય રીતે આ લોકો ભણવાનું છોડી સીધા જ નોકરી કે કામધંધો શરૂ કરી દેતા હોય છે. ભણતરના અભાવને કારણે તેઓ લાયસન્સ મેળવવી શકતા નહોતા. ત્યારે ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે હવે હેવી લાયસન્સ મેળવવા માટે કોઈપણ પ્રકારના શિક્ષણ સર્ટિફિકેટની જરૂર નહીં પડે. જેથી કરીને હવે જે પણ ટ્રક ડ્રાઈવરો હેવી લાયસન્સ મેળવી નથી શકતા હતા તેઓને આસાનીથી હેવી લાયસન્સ મળી શકશે.
હેવી લાઈસન્સ માટે હવે 8 પાસ પણ જરૂરી નથી! - RTOના નવા નિયમો
વલસાડઃ ગુજરાત સરકાર દ્વારા RTOના અનેક નિયમોમાં સુધારા કરાયા છે. આ સંદર્ભે બુધવારે સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ હવે હેવી લાઇસન્સ માટે 8 પાસ હોય તે જરૂરી નથી. એટલે કે નિરક્ષર હોય છતાં પણ હેવી લાઇસન્સ મેળવી શકશે. અગાઉ હેવી લાયસન્સ માટે 8 પાસ હોવું ફરજિયાત હતુ.
આ સમગ્ર બાબતે વલસાડ જિલ્લા આર.ટી.ઓ. અધિકારી રાવલીયાએ જણાવ્યું કે આ મહત્વનો નિર્ણય ટ્રાન્સપોર્ટમાં કામ કરતાં કેટલાક લોકોને ખૂબ જ ઉપયોગી અને અનુકૂળ નીવડશે. અગાઉ જે ટ્રકચાલકો ધોરણ-8 પાસ ન કરી શક્યા હતા, તેઓને લાઇસન્સ મળ્યું ન હતું. પરંતુ હવે સરકારના નિયમને કારણે તમામ ટ્રકચાલકો જેવો વિના લાયસન્સ એ વાહન હંકારતા હતા તેમને સરળતાથી લાયસન્સ મળી શકશે.
વલસાડ જિલ્લામાં રોજિંદા 2000થી 2500 જેટલા લાયસન્સ નીકળતા હોવાનો અંદાજ છે. એમાં પણ સરકાર દ્વારા શનિવાર અને રવિવારના રોજ RTO કચેરી ચાલુ રાખતા રોજના 2000 જેટલા લાયસન્સ ઈસ્યુ થઈ રહ્યા છે, ત્યારે ફરીથી ગઈકાલે સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને તમામ આર.ટી.ઓ. કચેરીએ વધાવ્યો છે.