ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં ફિલ્મી ઢબે લૂંટ, કર્મચારીઓને બંધક બનાવી કરોડોની લૂંટ ચલાવી - More than 10 crore gold robbery in Vapi

વાપીઃ શહેરના ચણોદ વિસ્તારમાં ચંદ્રલોક ઇમારતમાં આવેલી IIFL ગોલ્ડ લોનની ઓફિસમાં ગુરૂવાર સવારે હથિયારો સાથે ત્રાટકેલા લૂંટારાઓએ 10 કરોડની વધુની સોનાની અને 3 લાખ રોકડ રકમની લૂંટ ચલાવતા ચકચાર મચી છે. ત્યારે પોલીસે લૂંટારાઓને પકડવા માટે ચારેતરફ નાકાબંધી કરી કડક તપાસ હાથ ધરી છે.

vapi
વાપી

By

Published : Jan 9, 2020, 5:28 PM IST

વાપીના ચણોદ વિસ્તારમાં ચંદ્રલોક બિલ્ડિંગમાં IIFL ગોલ્ડ લોનની ઓફિસમાં ગુરૂવારે સવારે 09:55 વાગ્યે 4થી 6 લૂંટારાઓ ત્રાટકયા હતાં. હથિયાર સાથે આવેલા લૂંટારાઓએ ઓફિસના 9 જેટલા કર્મચારીઓને બંધક બનાવ્યા હતાં. ત્યારબાદ કર્મચારીઓના હાથ બાંધી અને મોઢું બંધ કરી કર્મચારી પાસેથી તિજોરીની ચાવી લઈ તિજોરી ખોલી હતી. જેમાં ગ્રાહકોના દાગીનાના 1121 પેકેટ હતા. તેમાંથી 1035 પેકેટ અને 3 લાખ કૅશને લઈને ફરાર થઈ ગયા હતાં.

લૂંટમાં અંદાજે 10 કરોડથી વધુ સોનાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘટના જાણ થતાં પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી લૂંટારાઓને પકડી પડવાની કવાયત હાથ ધરી હતી.

વાપીમાં ફિલ્મી ઢબે લૂંટ

આ અંગે વલસાડ જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, "લૂંટારાઓએ હથિયારો બતાવી આ લૂંટને અંજામ આપ્યો હતો. હાલ ગુજરાત-દમણ-સેલવાસ-મહારાષ્ટ્રની સરહદો પર નાકાબંધી કરવામાં આવી છે. કુલ કેટલાની લૂંટ થઈ છે, ઓફિસના કોઈ કર્મચારીની મિલીભગત છે કે કેમ? સહિતની દિશામાં ટેક્નિકલ એવીડન્સ સાથે તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ, ગોલ્ડ લોનની ઓફિસમાં લૂંટની ઘટના બનતા ગોલ્ડ લોન લેનાર ગ્રાહકોમાં પણ ગભરાટ ફેલાયો છે. સાથે જ IIFL ની ઓફીસ પર ધસારો વધ્યો હતો."

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં 10 વર્ષ બાદ એક વર્ષ દરમિયાન એક પણ ધાડ કે લૂંટનો બનાવ નહીં બનવાનો રેકોર્ડ રહ્યો છે. ત્યારે વર્ષ 2020ના પ્રથમ 9 દિવસમાં જ 10 વર્ષમાં સૌથી મોટી લૂંટની ઘટના બની છે. જેને લઈને સમગ્ર જિલ્લાની પોલીસ દોડતી થઈ છે. લૂંટારાઓ એક કારમાં આવી લૂંટનો માલ લઈ ફરાર થયા હતા. જે અંગે પોલીસે કુલ સ્ટોક અને લૂંટના માલ સહિત સુરક્ષા કર્મીઓની જવાબદારી અંગે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે લૂંટના CCTV પણ પોલીસે ચેક કર્યા હતા. જે આધારે આ કરોડોની ચોરીને અંજામ આપનાર લૂંટારાઓ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details