વાપીઃ દેશમાં કોરોનાની વૈશ્વિક મહામારી સામે ભારતમાં હજુ પણ જોઈએ તેટલી ખાનાખરાબી સર્જાઈ નથી. તે અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 21 દિવસનું લૉકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સ અભિયાન ખૂબ મહત્વનું હોવાનું દુનિયાના તાજજ્ઞોએ પણ માન્યું છે, ત્યારે આ મહામારી સામે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે 9 વાગ્યે એક વીડિયો દ્વારા દેશની જનતાને સંબોધન કરી જે રીતે જનતાએ જનતા કર્ફ્યૂ અને તે બાદ ઘંટનાદ કરી કોરોના સામેની મક્કમતાના દર્શન કરાવ્યાં તેવી જ રીતે આગામી રવિવારે 5મી એપ્રિલે રાત્રે 9 વાગ્યે ઘરના આંગણામાં કે બારી, બાલ્કનીમાં ઉભા રહી ઘરની તમામ લાઈટો બંધ કરી દીપ, મીણબત્તી કે ટોર્ચની લાઈટનો પ્રકાશ પાથરી આ મહામારી સામે જીત મેળવવાનો નૈતિક જુસ્સો દેશની જનતાને પૂરો પાડવાની અપીલ કરી છે.
જે બાદ આ દીપ અભિયાનનું જ્યોતિષ શાસ્ત્રમાં અનેરું મહત્વ હોવાનું જ્યોતિષશાસ્ત્રીઓ માની રહ્યાં છે. આ અંગે વાપીના જાણીતા કથાકાર ધરમ જોશીએ જણાવ્યું હતું કે, હિન્દુ સનાતન ધર્મમાં દીપનું ખૂબ જ મહત્વ છે. દરેક શુભ કાર્ય કરતા પહેલા દીપને પ્રજ્વલ્લિત કારવામાં આવે છે. પ્રકાશ એ શરીરને ઉર્જા આપે છે અને અંધકારરૂપી રાક્ષસ સામે વિજયનું પ્રતીક ગણાય છે.