દેને કો ટુકડા ભલા..... લેને કો હરિ નામ..... આ સૂત્રને પોતાનો જીવન મંત્ર બનાવનારા પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની 220મી જન્મ જયંતીની વલસાડ જિલ્લાના વાપી, પારડી, ઉમરગામ સહિત સંઘપ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં આનંદભેર ઉજવણી થઈ હતી. વાપીમાં આવેલા જલારામ સંસ્થાન ખાતે વહેલી સવારે મંગળા આરતી, ધ્વજારોહણ, સત્યનારાયણ ભગવાનની કથા, સાંજના પાંચ વાગ્યા સુધી ભજન, બાદ સાંજે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાપી સહિત આસપાસના વિસ્તારોના જલારામ ભક્તોએ બાપાની પ્રિય એવી ખીચડી-કઢી અને રીંગણ-બટેકાના શાકનાં મહાપ્રસાદને ગ્રહણ કરવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વાપીમાં સંત જલારામ બાપાની 220મી જન્મ જયંતી નિમિત્તે 15 હજાર ભક્તોએ લીધો મહાપ્રસાદ - ખીચડી-કઢી
વાપી: સંત જલારામ બાપાની 220મી જન્મ જયંતીની વાપીમાં ભક્તોએ ભારે હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી. જલારામ જયંતીના નિમિત્તે વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં મહાઆરતી, મહાપ્રસાદ, ભક્તિ સંધ્યા વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન થયું હતું. વાપીમાં જલારામ મંદિરે સાંજે મહાપ્રસાદ, ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 15 હજાર જેટલા જલારામ ભક્તોએ મહાપ્રસાદ લઈ પાવન થયા હતા.
વાપીમાં જલારામ મંદિર ખાતે મહાપ્રસાદના આયોજનમાં અંદાજિત 15000 ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ અંગે જલારામ સેવા ટ્રસ્ટના દામજીભાઈ યાદવે જણાવ્યું હતું કે, છેલ્લા 22 વર્ષથી અહીં જલારામ જયંતિની ઉજવણી અને દર ગુરૂવારે ખીચડી કઢીનો મહાપ્રસાદ આપવામાં આવે છે. જે માટે દાતાઓ તરફથી પણ દાનની સરવાણી વહે છે. 220મી જલારામ જયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં જલારામ ભક્તોએ અહીં ખીચડી-કઢી, રીંગણા-બટાકાનું શાક, બુંદી-ગાંઠીયાનો મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ માટે ટ્રસ્ટ દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, વાપીમાં 1984માં એક ઝૂંપડી બનાવી તેમાં બાપાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જે બાદ ઉત્તરોતર દાતાઓના સહયોગથી અહીં ભવ્ય મંદિર અને દર ગુરુવારે ખીચડી કઢીના મહાપ્રસાદ સાથે જલારામ બાપાની જન્મ જયંતી, પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. એ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા 80 જેટલા ગરીબ પરિવારોને દર મહિને સીધુ પણ આપવામાં આવે છે. જલારામ બાપાની અસીમ કૃપાથી અહીં દિવસો દિવસ ભક્તોનો ધસારો વધી રહ્યો છે. અને તેમને ખીચડી-કઢીનું આરોગ્યપ્રદ ભોજન પૂરું પાડવા માટે દાતાઓ તરફથી પણ દાનની સરવાણી વહી રહી છે.