વલસાડઃ કોરોના વાઈરસના સંક્રમણને તોડવા માટે વડાપ્રધાન મોદીએ 21 દિવસ સુધી દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરી છે. એટલે કે 14 એપ્રિલ સુધી 130 કરોડથી વધારેની વસ્તી ઘરમાં જ રહેશે. જેના પગલે વાપી સહીત આસપાસના તમામ પ્રકારના ઔદ્યોગિક પ્રતિષ્ઠાન લોકડાઉન દરમિયાન બંધ રહ્યા છે. માત્ર જરૂરી ચીજ વસ્તુઓ વાળા મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ રાજ્ય સરકારની મંજૂરી મેળવેલા પ્રોડક્શન યુનિટ્સ સિવાય સર્વત્ર બંધ પળાયો હતો.
પરપ્રાંતીય લોકોને વાહનો નહીં મળતા હાઇવે પર પગપાળા જવા મજબુર લોકડાઉનને પગલે વાહન વ્યવહાર અને રેલવે સેવા પણ સ્થગિત કરી દેવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં 4 દિવસથી લોકડાઉનની પરિસ્થિતિ સર્જાતા વાપી શહેરમાં અન્ય જિલ્લા કે રાજ્યોમાંથી રોજગારી અર્થે આવેલા મજૂર પરિવારો ઘરે જવા માટે અકળાયા છે, પણ તેમને વાહનો ન મળતા તેઓ સુમસાન હાઇવે પર રઝળપાટ કરી રહ્યા છે.
પરપ્રાંતીય લોકોને વાહનો નહીં મળતા હાઇવે પર પગપાળા જવા મજબુર આ પરપ્રાંતીય મજૂર પરિવારો પોલીસથી બચવા રેલવે ટ્રેક પર લપાઈ છુપાઈને વાપીથી બહાર જતા નજરે ચઢ્યા હતા. બીજી તરફ લોકડાઉનને પગલે બલીઠા, મોરાઇ અને વટાર જેવા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી તમામ કંપનીઓ બંધ હોવાથી ત્યાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. પોલીસ માર્ગો પર અવરજવર કરતા તમામ વાહન ચાલકોને અટકાવીને પરત ઘરે મોકલી દેવામાં આવે છે.
દમણ અને ગુજરાતને જોડતી વાંકડ ચેક પોસ્ટ પર પણ બેરીકેટ લગાવી દેવામાં આવ્યા છે. અહીં પોલીસની ટીમ સાથે સૅનેટાઇઝર, માસ્ક અને થર્મલ ગન સાથે આરોગ્ય વિભાગની ટીમ પણ મુકવામાં આવી છે. જેઓ દમણમાં પ્રવેશતા લોકોને અટકાવી દમણ સિવાયના લોકોને પરત મોકલી રહ્યાં છે.