વલસાડ: જિલ્લાના કરજગામના એક ફાર્મમાં 18 લોકો દારૂની મહેફિલ માણી જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા. જેથી પોલીસે રેડ કરી તેમના રંગમાં ભંગ પાડ્યો હતો. આ રેડમાં પોલીસે 12 બોટલ બિયર, 13 બાઇક, 5 કાર સહિત કુલ રૂપિયા 31,71,200નો મુદ્દામાલ જપ્ત કરી 9 લોકોની ધરપકડ કરી હતી, જ્યારે 9 લોકો ફરાર થયા છે.
પોલીસે જપ્ત કરેલો મુદ્દામાલ આ અંગે ભીલાડ પોલીસને બાતમી મળી હતી કે, કરજગામ આગરીવાડ ફળિયા વિસ્તારમાં મુકેશ નાનુભાઈના ઘર નજીક એક વાદળી કલરના પતરાના ગેટવાળા ફાર્મ હાઉસની આગળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ટોળું વળી ખુરશીઓ ઉપર બેસીને દારૂની મહેફિલ સાથે જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે.
આ બાતમીના આધારે પોલીસે રેડ કરતાં કુલ 18 ઇસમોમાંથી 09 લોકો પ્રફુલ આહીર, અક્ષય આહીર, પંકજ ધોડી, ગૌરવ આહીર, નિતેશ આહીર, દીપક આહીર, અમરીશ ઘોડી, દિનેશ ઘોડી, કેયુર આહીર સહિત 9 ઇસમોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 9 ઈસમો ફરાર થયા છે.
ભીલાડમાં જન્મદિવસની ઉજવણીમાં દારૂની મહેફિલ પોલીસે મહેફિલના સ્થળ પરથી બિયરના ટીન સાથે આરોપી પાસેથી 25,500ના 9 મોબાઈલ, 3.91 લાખની 13 બાઇક, 27.50 લાખની 5 કાર મળી કુલ 31,71,200 રૂપિયાના મુદ્દામાલ સાથે 9 શખ્સોની ધરપકડ કરી છે. આ સાથે જ ફરાર થયેલા 9 શખ્સોને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ તપાસમાં આ અંકુર નામના વ્યક્તિનો જન્મદિવસ હોવાથી પ્રફુલ આહીરે દમણથી બિયર મંગાવી બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું હતું. જેથી ભીલાડ પોલીસે આ બન્ને વિરુદ્ધ કોવિડ-19 અંગે કલેક્ટરના જાહેરનામાનો ભંગ તથા પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.