સાથે જ તેમણે PMO પાસે જવાબ પણ માંગ્યો હતો. જો કે, આ વીડિયો હાઇસ્કૂલનો ન હોવાને કારણે સ્કૂલની છબી પર તેની અવળી અસર પડી રહી હતી. આખરે શાળાના મહિલા પ્રિન્સિપાલે વલસાડ પોલીસ મથક ખાતે જીગ્નેશ મેવાણી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે.
વલસાડ શહેરમાં આવેલી RMVM સ્કૂલ એક પ્રતિષ્ઠિત સ્કૂલ છે. જો કે, થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયામાં એક શિક્ષક દ્વારા બાળકને બેરહેમીપૂર્વક માર મારવાનો વીડિયો વાયરલ થયો હતો. જેની અંદર એક મેસેજ પણ હતો કે આ વીડિયો RMVM સ્કૂલ વલસાડનો છે અને આ વીડિયો એટલો શેર કરો કે શિક્ષક અને શાળા સામે કાયદેસરની કાર્યવાહી થાય. પરંતુ હકીકતમાં આ વીડિયો આ સ્કૂલનો હતો જ નહીં. કેટલાક તત્વો દ્વારા સ્કૂલને બદનામ કરવાના હેતુસર આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.
જીગ્નેશ મેવાણીએ વાયરલ વીડિયોની ખરાઈ કર્યા વિના વીડિયો ટ્વીટ કર્યો ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા આ વીડિયો તેમજ લખાણ સાથે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરી PMO પાસે જવાબ માંગ્યો હતો. જો કે, આ શાળાની છબી ખરાબ ન થાય અને એક પ્રબુદ્ધ નાગરિક તરીકે તેમજ એક ધારાસભ્ય તરીકે પોતે હકીકતમાં આ વીડિયો ક્યાંનો છે તે જાણવાની તપાસ સુદ્ધા કર્યા સિવાય સીધો જ વીડિયો પોતાના એકાઉન્ટ પર ટ્વિટ કરી દેતા શાળાની બદનામી થઇ રહી છે. જેને કારણે શાળાની આચાર્ય બિજલ પટેલે વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં જીગ્નેશ મેવાણી વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે, જે બાબતે પોલીસે હાલ તો ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
નોંધનીય છે કે, જીગ્નેશ મેવાણીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરેલો વીડિયો અંગે કેટલાક લોકોએ જાણકારી આપ્યા બાદ ડિલીટ કરી દીધો હતો. આ સમગ્ર બાબતે DYSP મનોજસિંહ ચાવડાએ જણાવ્યું કે, એક પ્રબુદ્ધ નાગરિક તરીકે કોઈપણ વીડિયો શેયર કરતા પૂર્વે તેની ખરાઇ કરવી ખૂબ જરૂરી છે. તેમ ન કરતા આખરે વલસાડની શાળાની બદનામી થતી હોવાનું આચાર્યએ અમારી સમક્ષ ફરિયાદ કરી છે. જેના આધારે પોલીસે IPC કલમ 505 (2) અને 500 મુજબ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, અગાઉ પણ આ શાળાના નામથી બે વીડિયો વાયરલ થયા હતા અને તે સમયે પણ સ્કૂલના આચાર્ય દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ ક્યા તત્વો દ્વારા આ શાળાને બદનામ કરવામાં આવી રહ્યું છે તે જાણી શકાયું ન હતું.