ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીના દંપતીએ બનાવી માટી અને બીજની રાખડી, તુલસીરૂપે કાયમ આંગણાને શોભાવશે - ઈકો ફ્રેન્ડલી રાખડી

લોકડાઉનના સમય પછી તરત જ રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો હોય તેને ધ્યાનમાં રાખી રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. જે લોકો અત્યાર સુધી સ્ટોનની કે મોતીની રાખડી બાંધતા હતા. એમને આ વખતે કંઈક નવું આપવાના વિચારે આ રાખડીનો વિચાર આવ્યો છે. આ ઈકો ફ્રેન્ડલી રાખડી સાથે એક આખી કીટ દંપતીએ તૈયાર કરી છે, જેનાથી રક્ષાબંધન પર્વ બાદ રાખડીને આંગણામાં રોપી દેવાથી ભાઈની યાદગીરી રૂપે તુલસી ઉગશે.

વલસાડ
વલસાડ

By

Published : Jul 24, 2020, 2:24 PM IST

વલસાડ: વાપીમાં પેપરમાંથી પેન્સિલ અને એ પેન્સિલમાં ફૂલ-ઝાડના બીજ મૂકી પર્યાવરણની જાળવણી કરવામાં સહભાગી થઇ રહેલા દંપતીએ હવે, રક્ષાબંધનને ધ્યાને રાખી માટીમાં તુલસી જેવા છોડના બી મૂકી મનમોહક રાખડીઓ બનાવી છે. આ ઈકો ફ્રેન્ડલી રાખડી સાથે એક આખી કીટ દંપતીએ તૈયાર કરી છે, જેનાથી રક્ષાબંધન પર્વ બાદ રાખડીને આંગણામાં રોપી દેવાથી ભાઈની યાદગીરી રૂપે તુલસી ઉગશે અને આંગણાની શોભામાં અભિવૃદ્ધિ કરશે.

રક્ષાબંધન પર્વ નિમિત્તે વાપીના દંપતીએ બનાવી માટી અને બીજની રાખડીઓ
માટી, વેસ્ટ લાકડા અને નકામા પેપર નાળિયેરની કાચલીમાંથી કંઈક નોખું અનોખું કરી પર્યાવરણની જાળવણી કરવા માટે વાપીનું કુણાલ પીતલિયા અને શ્રુતિ પીતલિયા નામનું દંપતી જાણીતું છે. આ દંપતીએ રક્ષાબંધન પર્વને ધ્યાને રાખી નવતર રાખડીઓ બનાવી છે. આ રાખડીઓ સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી છે. માટીના વિવિધ આકાર બનાવી તેમાં તુલસી જેવા છોડના બીજ મૂકી તેને જરી અને અન્ય ચીજવસ્તુઓથી શણગારી મનમોહક રાખડી તૈયાર કરી છે. આ રાખડીઓ બનાવવા પાછળનો આ દંપતીનો એક જ ઉદ્દેશ્ય છે અને તે છે પર્યાવરણને હરિયાળું બનાવવાનો એટલે, એ માટે પર્વને અનુલક્ષીને આ નવતર પ્રયોગ કર્યો છે. જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ અંગે દંપતીએ જણાવ્યું હતું કે, "અમે ઘણા સમયથી ઇકોફ્રેન્ડલી પેન્સિલ બનાવીએ છીએ. જેના પરથી આ લોકડાઉનમાં અને મહામારીમાં લોકોને રોજગારી આપી શકાય, સાથે જ પર્યાવરણને બચાવી શકાય, તેવા આઈડિયા સાથે રાખડીઓ તૈયાર કરી છે. લોકડાઉનના સમય પછી તરત જ રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો હોય તેને ધ્યાનમાં રાખી રાખડીઓ તૈયાર કરી છે. જે લોકો અત્યાર સુધી સ્ટોનની કે મોતીની રાખડી બાંધતા હતા. એમને આ વખતે કંઈ નવું આપવાના વિચારે આ રાખડીનો વિચાર આવ્યો છે."એ માટે માટીના બોલ બનાવી એમાં અમે દાણા નાખી આકાર આપ્યા છે. આ રાખડીઓ એક પ્રકારના પ્લાન્ટ જ છે. જેમ કે, રાખડીઓ સાથે જે પેપર છે, તેમાં પણ બીજ છે. નાનકડું કુંડું છે, જેમાં તેને મૂકીને રોપી દેવાનું એટલે એમાંથી છોડ થશે. અત્યારે ચોમાસાની સીઝનને ધ્યાને રાખી તુલસી, ટામેટા જેવા છોડના બીજ આ રાખડીમાં અને તેની કિટમાં સામેલ કરવામાં આવ્યા છે. દંપતીએ આ સાથે લોકડાઉનનો સમય છે તો ઘણી બહેનો પોતાના ભાઈથી દુર છે. રાખડી બાંધવા જઈ શકતી નથી તો સાથે કંકુ ચોખાનું પણ ઓપ્શન આપેલું છે. રાખડી ની વેરાઈટીમાં ભાઈ ની રાખડી એવી જ રીતે ભાઈ-ભાભીની રાખડી એમ એક બોક્સમાં બે રાખડીઓ પણ પેકિંગ કરી છે. મહામારીના આ દિવસોમાં સોશ્યલ ડિસ્ટન્સ માટે પણ આ આઈડિયા અનેકરીતે ઉપયોગી નીવડ્યો છે.રાખડીના પ્રચાર-પ્રસાર માટે whatsapp, facebook નું માધ્યમ પસંદ કર્યું છે. તેમાં તેને સારી સફળતા મળી છે. ઓનલાઇન પેમેન્ટ સાથે કુરિયરનો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે. દંપતીએ રાખડીઓ બનાવવા માટે કેટલીક બહેનોને રોજગારી આપી છે. જેમને આ ચીજ વસ્તુ આપી તેમની પાસે રાખડીઓ તૈયાર કરાવી તે મુજબ મહેનતાણું ચુકવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details