ધોધમાર વરસતા વરસાદમાં GEB ના કર્મચારીઓ સતત ઉચાટ વચ્ચે પોતાની કામગીરી બજાવવા વરસાદમાં ભીંજાતા હોય છે. ત્યારે વલસાડ જિલ્લામાં GEB ના કર્મચારીઓ માટે ચોમાસાની સિઝન એટલે વર્ષના સૌથી મુશ્કેલ દિવસોની સિઝન મનાય છે. હાલ ચોમાસાએ પોતાની આલબેલ પોકારી છે. ત્યારે મેઘરાજા પવનદેવના સથવારે પધરામણી કરવાના મૂડમાં છે. તો વાપી રૂરલ ડિવિઝન હેઠળ આવતા વાપી, પારડી, કપરાડા અને ધરમપુર તાલુકામાં તેમજ ઉમરગામ ડિવિઝનમાં આવતા વાપી ઔદ્યોગિક વિસ્તાર અને ઉમરગામ તાલુકામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડે પોતાની 80 ટકા ઉપરાંતની પ્રિમોન્સૂન કામગીરી પૂર્ણ કરી છે. તો આગામી એક સપ્તાહમાં 100 ટકા કામગીરી પૂર્ણ કરી ક્યાંય વરસાદી માહોલમાં વિજવિક્ષેપ ન થાય તે માટે સજ્જ બન્યા છે.
ચોમાસામાં શરૂઆત પહેલા DGVCLની પ્રિમોન્સુન કામગીરી પૂર્ણતાના આરે - GEB
વાપી: વલસાડ જિલ્લો એ ગુજરાતનું ચેરાપૂંજી કહેવાય છે. દર ચોમાસામાં વલસાડ જિલ્લામાં સરેરાશ 100 ઇંચ જેટલો વરસાદ પડે છે. તો વરસાદી માહોલમાં વીજળી ગુલ ન થાય, તથા શોર્ટ સર્કિટ કે અન્ય બનાવો ન બને તે માટે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડએ ચોમાસાના બે કે ત્રણ મહિના પહેલાથી જ પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરી છે. જેમા વીજ વાયર, વિજપોલ, TC, ઝાડ કટિંગ સાહિતની કામગીરીમાં પરોવાઈ જાય છે. જિલ્લાના મુખ્ય કહેવાતા 5 તાલુકામાં હાલ GEB એ 80 ટકા ઉપરાંતની કામગીરી પૂર્ણ કરી લીધી છે.
DGVCL વાપી રૂરલ ના એક્ઝિક્યુટિવ એન્જીનીયર એમ. એમ. પટેલે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, વાપી રૂરલ ડિવિઝનમાં કુલ 9 કચેરીની પેટા વિભાગીય કચેરી દ્વારા ડિપાર્ટમેન્ટ્સ સ્ટાફ અને કોન્ટ્રાક્ટરના સ્ટાફ સાથે મળી તમામ વિસ્તારમાં પ્રિમોન્સૂન કામગીરીને વેગવંતી બનાવી જૂની લાઈનના વાયર બદલવા, પોલ બદલવા, પોલ સીધા કરવા, તેમજ નડતરરૂપ ઝાડની ડાળીઓ કટિંગ કરવા સહિતની કામગીરી હાથ ધરી અત્યાર સુધીમાં 80 ટકા ઉપરાંતની કામગીરી આટોપી લેવાઈ છે. તો આ સાથે ચોમાસા દરમ્યાન 24 કલાક કન્ટ્રોલ રૂમ શરૂ કરી. એક ગાડી અને 5 થી 6 કર્મચારીઓને શિફ્ટ મુજબ ખડેપગે રખાય છે. તેમજ ઇમર્જન્સી વખતે વિજવિક્ષેપને રાબેતા મુજબ કરવામાં આવે છે. તો પ્રિમોન્સૂન દરમ્યાન પેટા વિભાગીય કચેરી મુજબ 8 થી 10 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. જે એક અંદાજ મુજબ 80 થી 90 લાખ સુધીનો છે.
હાલની પ્રિમોન્સૂન કામગીરીની વધુ વિગતો આપતા ઉમરગામ ડિવિઝનના અધિકારી યુ. એ. ચૌધરીએ જણાવ્યું હતું કે, ઉમરગામ ડિવિઝનમાં ઉમરગામના 55 ગામ, ઉમરગામ શહેર અને વાપી- સરીગામ જેવી ઔદ્યોગિક વસાહત આવેલી છે. પ્રિમોન્સૂન કામગીરી દરમ્યાન 10 થી 12 કર્મચારીઓની 2 ટીમ કામે લગાડી 300 કિમી ની HT લાઈનનું સમારકામ હાથ ધર્યું છે. તો 50 કિ.મી. ની LT લાઇનને પણ દુરસ્ત કરાઈ છે.તેમજ 270 ટ્રાન્સફોર્મરનું મેઇન્ટેનન્સ કરાયું છે.તો આ સાથે 5 KM નવા કંડકટર નાખ્યા જયારે 70 જેટલા નવા થાંભલા નાખવામાં આવ્યા છે. તો 70 થાંભલા સીધા કરાયા છે. જ્યારે 45000 ઝાડની ડાળીઓ કાપી છે. તથા 880 જેટલા રી-જમ્પિંગ સાથે કુલ 3900 માનવ દિવસ જેટલું કામ આ પ્રિમોન્સૂન દરમ્યાન કરવામાં આવ્યું છે. તો આ માટે 25 લાખ જેટલો ખર્ચ થયો છે. તો વરસાદ દરમ્યાન પણ વીજ પુરવઠો યથાવત રહે તે માટે જે તે મુખ્ય વિસ્તારના સબડીવીઝનમાં પહેલાથી જ પાંચ ટ્રાન્સફોર્મર આપી દેવામાં આવ્યા છે. જેથી જો કોઈ કારણસર ટ્રાન્સફોર્મર ફેલ થાય તો ગણતરીના કલાકો મા જ તેને બદલાવી શકાય એ ઉપરાંત વરસાદ દરમ્યાન જરૂરિયાત મુજબનો સમાન આપી ટીંમના માણસોને પણ અત્યારથી જ તૈયાર કરી દેવાયા છે.