સુરતથી વિરાર જતી મેમુ શટલ ટ્રેનમાં ભિલાડ રેલવે સ્ટેશને ઉતરતી વખતે એક યુવતીનો પગ સ્લીપ થયો હતો અને તે જ સમયે ટ્રેન ઉપડતા તેનો ડાબો હાથ ટ્રેનમાં કપાઈ ગયો હતો. આ કમકમાટી ભરી ઘટના ઘટતા રેલવે સ્ટેશન પર મુસાફરો અને રેલવે તંત્રએ તાત્કાલિક યુવતીને બચાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. અને ત્યાર બાદ 108ને ફોન કરી ઘાયલ યુવતીને તુરંત હોસ્પિટલ પહોંચાડવા માટે તજવીજ હાથ ધરી હતી.
આ સમગ્ર ધટના બન્યા બાદ અડધા કલાક ઉપરનો સમય વિત્યો હોવા છતાં 108ના આવતા ભીલાડના સલીમ શેખ નામના યુવાને માનવતા બતાવી યુવતીને પોતાના ખંભે ઊંચકી નજીકના ભિલાડ સરકારી દવાખાને ખસેડી હતી. ત્યાર બાદ પણ સારવાર કારગત ન નિવડતા તેને વધુ સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવી હતી. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે. મળતી માહિતી મુજબ ટ્રેનમાં પોતાનો હાથ ગુમાવનાર યુવતીનું નામ રશ્મિ હોવાનું અને તે દમણમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હોવાની વિગતો મળી છે.