શું તમે સારૂ ક્રિકેટ રમો છો તો આ સમાચાર તમારા માટે, GCAએ શોધી રહ્યું છે 'ક્રિકેટ ટેલેન્ટ' - ક્રિકેટ ન્યૂઝ
વાપીના નારગોલમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) દ્વારા ગુજરાતના વિવિધ શહેરોના ગામડાઓમાંથી સારા ક્રિકેટરને શોધીને તક આપવાના ઉદ્દેશ્ય સાથે ટેલેન્ટ સર્ચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વાપીઃ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ગામના ક્રિકેટ મેદાનમાં શનિવારે 11 થી 14 વર્ષના ક્રિકેટ ખેલાડીઓએ બેટિંગ, બોલિંગનું કૌવત બતાવ્યું હતું. આ આયોજન ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના ગામડાઓમાંથી સારા ક્રિકેટ ખેલાડી શોધવાનો અને તેને વિશ્વફલક પર ક્રિકેટર તરીકેની તક આપી ગુજરાતનું નામ રોશન કરવાનો હતો.
ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) દ્વારા હાલમાં ગુજરાતના વિવિધ શહેરોના ગામડાઓમાંથી સારા ક્રિકેટરને શોધી તેને તક આપવાના ઉદ્દેશ્ય સાથે ટેલેન્ટ સર્ચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉદ્દેશ્ય અંતર્ગત શનિવારે GCAના સિનિયર કોચ જયેશ સાયગલ, હીરાલાલ ટંડેલ સહિતની ટીમ નારગોલ ખાતે આવી હતી. નારગોલ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડમાં 150 જેટલા બાળકોની બોલિંગ, બેટિંગ અને વિકેટકીપિંગનું ઝીણવટથી નિરીક્ષણ કરી ક્રિકેટમાં કારકિર્દી બનાવી શકે તે માટે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.