ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ-વાપી-દમણ-સેલવાસમાં અનંત ચૌદશ સુધી ગણપતિ બાપા બિરાજમાન રહેશે

વાપીઃ સોમવારના રોજથી ગણેશ ચતુર્થી નિમિત્તે વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરાનગર હવેલી, દમણમાં ગણપતિનું પૂજન-અર્ચન સાથે સ્થાપન કરવામાં આવ્યું હતું. અનંત ચૌદશ સુધી ચાલનારા ગણેશ મહોત્સવનું આયોજકો દ્વારા ખાસ આયોજન કરાયું હતું. છે. વાપીમાં સાર્વજનિક ગણેશ મહોત્સવના 274 પંડાલોએ રજિસ્ટર કરાવ્યું છે. જિલ્લામાં એક દિવસથી લઈ 11 દિવસના સાર્વજનિક ગણેશ મહોત્સવમાં એક ફૂટની મૂર્તિથી લઈ 15 ફૂટ સુધીની વિવિધ આકર્ષક મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે.

વલસાડ-વાપી-દમણ-સેલવાસમાં અનંત ચૌદશ સુધી ગણપતિ બાપા રહેશે બિરાજમાન

By

Published : Sep 3, 2019, 11:33 AM IST

ગણેશ મહોત્સવ નિમિત્તે વાપી ટાઉનમાં છેલ્લા 30 વર્ષથી શાકભાજી માર્કેટ એસોસિએશન દ્વારા ગજાનંદની મનમોહક મૂર્તિનું સ્થાપન કરી 11 દિવસ પૂજા અર્ચના કરવામાં આવે છે. આ વખતે શાકભાજી માર્કેટમાં લાલબાગના રાજાની પ્રતિકૃતિવાળી મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે. તેની નજીક મચ્છી માર્કેટમાં પણ 36 વર્ષથી ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. અહીં પણ પર્પલ કલરના મનમોહક વાઘામાં સજ્જ ગણપતિ બાપાના દર્શને મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે.

વલસાડ-વાપી-દમણ-સેલવાસમાં અનંત ચૌદશ સુધી ગણપતિ બાપા રહેશે બિરાજમાન

આ ઉપરાંત વાપી ટાઉનના અન્ય વિસ્તારમાં GIDCમાં, ગુંજન વિસ્તારમાં, ડુંગરા વિસ્તારમાં પણ ગણેશજીની મનમોહક મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. સંઘપ્રદેશ સેલવાસમાં પણ પીપરીયાના રાજા સહિત અનેક વિસ્તારમાં ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દમણમાં નાની દમણ, ભીમપોર, ડાભેલ, કચીગામ, સોમનાથ સહિતના વિસ્તારોમાં ગણપતિજીની પ્રતિમાઓની સ્થાપના કરી પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે. જો કે, મોટેભાગે તમામ વિસ્તારમાં POPની મૂર્તિની બોલબાલા જોવા મળી હતી. જ્યારે ઘર કે સોસાયટીમાં માટીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે.

વર્ષ 2017માં વાપી ટાઉન વિસ્તારમાં 91 જેટલા મંડળોએ પરવાનગી લીધી હતી. વર્ષ 2018માં આ આંકડો સો પર પહોંચ્યો હતો. જ્યારે આ વખતે 125 પર પહોંચ્યો છે. એ જ રીતે વાપી GIDC વિસ્તારમાં 36, ડુંગરા વિસ્તારમાં 113 ગણપતિ પંડાલના આયોજકોએ પોલીસ સ્ટેશનમાં રજિસ્ટર કરાવ્યું છે. આમ, સમગ્ર વાપીમાં અને સંઘ પ્રદેશ દમણ દાદરા નગર હવેલીમાં ગણેશ ચતુર્થી નિમિત્તે નાની-મોટી મળી અંદાજિત 10 હજાર જેટલી મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું છે. જેમાં આજથી અનંત ચૌદશ સુધી ભક્તિભાવ પૂર્વક ગણપતિજીની સ્થાપના કરી પૂજા-અર્ચના કરાવવામાં આવશે. જેમાં ભાવિક ભક્તો દ્વારા ગણપતિના પ્રિય એવા લાડુની પ્રસાદી ધરવામાં આવશે.

ગણપતિ પ્રતિમાઓનું વિસર્જન દમણગંગા નદી, દમણ દરિયા કિનારે, કોલક નદી સહિતના સ્થળોએ કરવામાં આવશે. દુંદાળા દેવના મહોત્સવમાં કોમી એખલાસ સાથે ધાર્મિક વાતાવરણ બની રહે તે માટે પોલીસ વિભાગ પણ સજ્જ બન્યો છે. પ્રતિમા વિસર્જનના સ્થળે કૃત્રિમ કુંડ પણ બનાવવામાં આવ્યા છે. જ્યાં ફાયર વિભાગના જવાનો, પોલીસ, સંસ્થાના સભ્યો તકેદારીના ભાગરૂપે રાત-દિવસ પોતાની ફરજ બજાવશે.

ABOUT THE AUTHOR

...view details