વલસાડ : વાપી નજીક મોરાઈ ગામના ડુંગરી ફળિયામાં રહેતા દિપક મદન ગૌડ નામના વ્યક્તિએ તેમની પત્ની સામે જ તેમના 4 માસના સંતાનને થપ્પડો મારી ગળું દબાવી હત્યા કરી નાખી હતી. આ સમગ્ર ઘટના અંગે વાપી ટાઉન પોલીસ મથકમાં દિપકની પત્નીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નિર્દયી પિતાએ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી 4 માસના બાળકનું ગળું દબાવી કરી હત્યા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ આરોપી દિપક ગૌડ દમણની એક કંપનીમાં નોકરી કરતો હતો. તે દરમિયાન તેમની મુલાકાત કંપનીમાં કામ કરતી સુહાના સાથે થઈ હતી. આ મુલાકાત બાદ બન્ને પ્રેમલગ્ન કરી મોરાઈ ગામના ડુંગરી ફળિયામાં રહેવા ગયા હતાં. જ્યાં તેણે ગત 15મી જાન્યુઆરીએ એક બાળકને જન્મ આપ્યો હતો. જે બાદ પતિ પત્ની વચ્ચે તકરાર શરૂ થઈ હતી. જેમાં દિપક અવારનવાર તેમની પત્ની પર ચારિત્ર્યની શંકા રાખતો હતો અને તેણે જે બાળકને જન્મ આપ્યો છે, તે તેનું નહિ પરંતુ પત્નીના પૂર્વ પ્રેમી કરણનું હોવાનું જણાવી મારપીટ કરતો હતો.આ આવેશ વધતા 16મી એપ્રિલના રોજ દિપકે સાંજે ઘરે આવી પત્ની સુહાના પાસેથી બાળક પ્રદીપને આંચકી લઈ તેના ગાલ પર થપ્પડ મારી ગળું દબાવી હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં પત્ની બાળકને છોડાવવા વચ્ચે પડતા તેને પણ મારમારી ઘાયલ કરી હતી. દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ જતા તાત્કાલિક વાપી પોલીસને જાણ કરવામાં આવી હતી.જે બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે દિપકે પત્ની પરની ચારિત્ર્યની શંકામાં માસૂમ બાળકનો જીવ લઈ લીધો હોય આ ઘટનાએ શહેરમાં ચકચાર જગાવી છે. અને સૌ કોઈ આ હત્યારા પિતા પર ફિટકાર વરસાવી રહ્યા છે. જો કે, હત્યારા પિતાને એક માસૂમની હત્યા કરી નાખ્યા બાદ પણ જાણે કોઈ જ રંજ ના હોય તેમ પોલીસ સ્ટેશનમાં પણ બેફિકર જણાતો હતો.