વાપી : બુધવારથી પાલિકાએ રિબેટ સાથે રહેણાંક મિલ્કત ધારકોને 15 ટકા અને કોર્મશિયલ મિલકત ધારકોને 25 ટકા માફી આપવાનું શરૂ કર્યું છે. જેથી વાપી પાલિકા વિસ્તારના 77 હજાર મિલકત ધારકોને આ નિર્ણયનો લાભ મળશે.
વાપી પાલિકાએ ઘરવેરા પર 20 ટકા અને કોમર્શિયલ વેરા પર 25 ટકાની છૂટ આપી, મિલકત ધારકોમાં ઉત્સાહ - Exemption on home tax and commercial tax
લોકડાઉન અને કોરોના મહામારીમાં રાજ્યના લોકોએ આર્થિક સંકડામણનો સામનો કરવો પડ્યો છે. જેને ધ્યાને રાખી રાજય સરકારે વેપારી અને રહેણાંક વિસ્તારના મિલકત ધારકોને ઘરવેેરામાં રાહત માટેની જાહેરાત કરી છે. વાપી નગરપાલિકાએ પણ પોતાની 5 ટકા રિબેટ અને સરકારના 15 અને 20 ટકા માફી યોજનાનો અમલ શરૂ કરતાં મિલકત ધારકો પાલિકામાં મોટી સંખ્યામાં આ લાભ સાથે વેરો ભરવા પહોંચ્યા હતાં.
ઉલ્લેખનિય છે કે, વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલે જણાવ્યું હતું કે, વાપી પાલિકા દ્વારા જૂનમાં મિલકત ધારકોને 5 ટકા વળતર આપવામાં આવી રહ્યું છે, પરંતુ રાજય સરકારે લોકડાઉનના કારણે સામાન્ય વર્ગની સ્થિતિને ધ્યાનમાં રાખી રહેણાક વિસ્તારના ઘરવેરામાં 10 ટકા અને કોર્મશિયલ વેરામાં 20 ટકા માફી આપવાની જાહેરાત કરી હતી.
રાજ્ય સરકારની જાહેરાતની અમલવારી કરવા સરકાર પાસેથી પૂરતી માહિતી મેળવી આ જાહેરાતનો અમલ કરવામાં આવ્યો છે. જે અંતગર્ત 5 ટકા રિબેટની સાથે હવે રહેણાંક વિસ્તારના મિલકત ધારકોને 15 ટકા અને કોર્મશિયલ મિલકત ધારકોને 25 ટકા માફી આપવાનું શરૂ કરાયું છે. આ યોજનાથી મિલકત ધારકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે. જેના પગલે પાલિકા કચેરીએ મોટી સંખ્યામાં લોકો વેરો ભરવા પહોંચ્યા હતાં. આ તકે પ્રમુખના જણાવ્યાં મુજબ આ છૂટ 30 જૂન સુધી રહેશે જેનાથી પાલિકામાં વિકાસના કામોમાં કોઈ ખાધ નહિ પડે. વિકાસના તમામ કામ સરકારની ગ્રાન્ટમાંથી રાબેતા મુજબ થતા રહેશે.
નોંધનીય છે કે સરકારની જાહેરાતના પગલે વાપી પાલિકા વિસ્તારના 14 હજાર કોર્મશિયલ અને 64 હજાર રહેણાંક વિસ્તારના મિલકત ધારકોને રાહતનો લાભ થશે. વર્ષ દરમિયાન પાલિકાનું કુલ 12 કરોડના માંગણુ છે. સરકારની જાહેરાત તથા રિબેટની સાથે પાલિકા માથે અંદાજે રૂપિયા 4 કરોડનો બોઝો આવશે.