- કોંગ્રેસના પૂર્વ પાલિકા સભ્ય સામાન્ય સભામાં સતત 3 વાર ગેરહાજર રહેતા સસ્પેન્ડ કરાયા
- વોર્ડ નંબર 2માં પેટા ચૂંટણી યોજાશે
- ભારતીય જનતા પાર્ટીના કુલ 5 ઉમેદવારોના નામો ચર્ચામાં
વલસાડ : ધરમપુર નગરપાલિકાના કુલ 5 વર્ષ પૈકી વૉર્ડ નંબર 2માં ગત વર્ષોમાં ચૂંટાઈ આવેલા હિનલ ગરાસીયા કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાઈ આવ્યા હતા. તેમને પાલિકાના નિયમોનુસાર પાલિકાની 3 સામાન્ય સભામાં સતત ગેરહાજર રહ્યા હતા. જેના કારણે તેમને જિલ્લા કલેક્ટર દ્વારા સસ્પેન્ડ કરાયા હતા. જેને કારણે વૉર્ડ નંબર 2ની સભ્યપદની જગ્યા ખાલી થતા હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સાથે સાથે પાલિકાની વૉર્ડ નંબર બેની પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે અને જે માટે ધરમપુર નગરપાલિકાના વૉર્ડ નંબર 2માં ચૂંટણી 28 તારીખના રોજ યોજાશે.
ધરમપુર નગરપાલિકાના સભ્ય સતત 3 વખત સામાન્ય સભામાં ગેરહાજર રહેતા સસ્પેન્ડ, વૉર્ડ નંબર 2ની પેટા ચૂંટણી યોજાશે ધરમપુર વૉર્ડ નંબર 2માં પાકા રસ્તા અને ઘરોના કામ થયા છે
ધરમપુર નગરપાલિકાના વૉર્ડ નંબર બે વિસ્તાર એટલે કે મોહનગઢ વાલોડ ફળિયા હાથીખાના સહિત બેમાં આવતા અનેક વિસ્તારમાં મુખ્ય માર્ગો અને પેવર બ્લોક તેમજ પાકી ગટરના કામો પૂર્ણ થઈ ચૂકયા છે. જેના કારણે અહીં આગળ લોકોની પ્રાથમિક સમસ્યાઓ મોટાભાગે હાલ થઈ ચૂકી છે. જોકે, હજૂ પાણીની સમસ્યા કેટલાક સ્થળોએ યથાવત રહી છે, પરંતુ આગામી દિવસમાં તે પણ પૂર્ણ થશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.
વૉર્ડ નંબર 2માં અંદાજિત 3,500 જેટલા મતદારો સામેલ
ધરમપુર નગરપાલિકાની વૉર્ડ નંબર 2ની પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે ધરમપુર નગરપાલિકાના વૉર્ડ નંબર 2માં અંદાજે 3500 જેટલા મતદારો છે. જેની સામે હાલ આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી 5 નામો ચર્ચામાં છે અને ભારતીય જનતા પાર્ટી કોના નામ ઉપર પોતાનો કળશ ઢોળે એ પાર્ટી એ તો મેન્ડેડ બાદ જ ખબર પડશે.
ભાજપના 5 મુરતિયા મેદાનમાં જ્યારે કોંગ્રેસ પક્ષમાં માત્ર એક નામની ચર્ચા
ધરમપુર નગરપાલિકાની વૉર્ડ નંબર બેની પેટા ચૂંટણી આગામી તારીખ 28 ફેબ્રુઆરીના રોજ યોજાવા જઈ રહી છે. ત્યારે વૉર્ડ નંબર 2માં ઉમેદવારી કરનારા અંદાજીત 5 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હોવાની ચર્ચાઓ થઈ રહી છે. જેમાં અક્ષય ચૌધરી, વિકાસ જાદવ, રમેશ દેશમુખ, કમલેશ ચૌધરી, અંકિતભાઈ સહિત નામોની ચર્ચાઓ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસ પક્ષ તરફથી હિરેન પટેલ ઉમેદવારી કરશે. આમ ધરમપુર પાલિકાનો વૉર્ડ નંબર 2 ચૂંટણી માટે સજ્જ છે. ત્યારે ઉમેદવારીની દોડમાં ભાજપ તરફ 5 નામો જ્યારે કોંગ્રેસ તરફ એક નામ ચર્ચામાં છે. જોકે, આગામી દિવસોમાં ઉમેદવારી ફોર્મની ચકાસણી બાદ જ ચૂંટણી મેદાનમાં કેટલા ઉમેદવાર રહેશે એ ચિત્ર સ્પષ્ટ થશે.