ગુજરાત

gujarat

ધરમપુરના લાવરી નદીના બ્રિજે લીધો દંપતિનો ભોગ, રજૂઆત છતાં બ્રિજનું નવનિર્માણ લંબિત

By

Published : Sep 20, 2019, 7:55 AM IST

વલસાડઃ ધરમપુર તાલુકામાંથી વહેતી લાવરી નદી ઉપર ફૂલવાડી અને મકડબન ગામને જોડતો લો લેવલ બ્રિજ એક તરફના છેડેથી ધોવાઈ ગયો છે. જેના કારણે સ્લેબ ઉખડી ગયો છે, સળિયા દેખાતા થઈ ગયા છે અને એક તરફથી નીચો થઈ ગયો છે. તેના કારણે બ્રિજ ઉપરથી વરસાદી પાણી વહેતા હોય તો વાહન ચાલકો પાણીના લેવલનો અંદાજ આવતો નથી. અહીં બ્રિજ ઉપરથી અત્યાર સુધીમાં 7 લોકો ના મોત થઈ ચૂક્યા છે. બે દિવસ પહેલા જ એક દંપતી બાઇક સાથે બ્રિજ ઉપરથી વહેતા પાણીમાં ઉતરવા જતા બાઇક સાથે તણાઈ જતા દંપતિ મોતને ભેટ્યુ છે.

couple-suffer-at-laveri-river-bridge-in-dharampur

ધરમપુર તાલુકાના લાવરી નદી ઉપર ફૂલવાડી અને માંકડબન ગામને જોડતો લો લેવલ બ્રિજ હંમેશા ચોમાસા દરમિયાન બ્રિજ ઉપર બબ્બે ફૂટ પાણી વહેતા હોય છે. મકડબન તરફનો બ્રિજનો હિસ્સો એટલી હદે ધોવાઈ ગયો છે કે એક તરફનો બ્રિજનો ભાગ નીચો થઈ ગયો છે અને સળિયા દેખાતા થઈ ગયા છે. તેમજ ખાડો પડી જતા જ્યારે બ્રિજ ઉપરથી પાણી વહે છે ત્યારે માત્ર અંદાજ લગાવી ધસમસતા પ્રવાહમાં અંદર ઉતરીને જનારા છેતરાઈ જતા હોય છે. ક્યારેક કાળક્રમે નદીના પાણીમાં તણાઈ જતા મોતને ભેટે છે.

ધરમપુરના લાવરી નદીના બ્રિજે લીધો દંપતિનો ભોગ, રજૂઆત છતાં બ્રિજનું નવનિર્માણ લંબિત

બે દિવસ પહેલા માંકડબન ગામે પટેલ ફળીયામાં રહેતા સુરેશભાઈ બાજુભાઈ વાઘેરા ઉ.વ 48 અને તેમની પત્ની સાયકીબેન વાઘેરા ઉ.વ 44 બંને ખૂટલી ગામે ગયા હતા. રાત્રે પરત ફરતી વેળા લાવરી નદીમાં બ્રિજ ઉપર પાણી વહેતુ હતું, તેમણે બાઇક પાણીમાં સામે છેડે જવા બાઇક ઉતારી પણ એક તરફ જ્યાં બ્રિજ ધોવાયેલા છે તે તરફનું ધ્યાન ન રહેતા નદીના વહેણમાં દંપતી તણાઈ ગયું હતું. જોકે બાદ માં મૃતક સાયકીબેનની લાશ નદીમાંથી મળી આવી હતી. જ્યારે સુરેશ ભાઈની શોધખોળ હજુ ચાલી રહી છે. મૃતકને ત્રણ છોકરી અને એક માત્ર પુત્ર છે, દંપતીનું મોત થતા સંતાનોએ માતા પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. નોંધનીય છે કે લાવરી નદીના આ બ્રિજે અગાઉ પણ રીક્ષા રિવર્સમાં આવી પલટી જતા બે લોકો મોત ને ભેટ્યા હતા. એક ટ્રેકટર ચાલક ટ્રેકટર સાથે નદી માં જઇ પડ્યો હતો. આમ અત્યાર સુધીમાં આ બ્રિજના કારણે અંદાજિત સાતથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

સ્થાનિકોનું કહેવું છે કે અનેક ગામોના લોકો માટે લાવરી નદીનો બ્રિજ ઉપયોગી છે, રાજકીય આગેવાનો ધારાસભ્ય સરકારી અધિકારી દરેક લોકો અહીં આવે છે, પરંતુ જોઈને જતા રહે છે. બ્રિજને ઊંચો કરવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. એટલું જ નહીં ચોમાસા દરમિયાન બ્રિજ ધોવાય એટલે કેટલાક કોન્ટ્રાક્ટરો પોતાના રોટલા શેકતા હોય એમ માત્ર અહીં રેતી નાખી જાય છે. પરંતુ નદીની ઉપરથી પાણી વહેતા બધું ધોવાઈ જતું હોય છે, ત્યારે જો આગામી દિવસમાં બ્રિજ ઊંચો નહીં કરાય તો લોકો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે. મહત્વ ની વાત એ છે કે મૃતક સાયકીબેન ની દિકરી એ પણ ઇ ટીવી ભારત સાથે વાત કરતા કહ્યું કે આ બ્રિજ ને લીધે જ મારા માતા પિતાએ જીવ ગુમાવ્યો છે. અન્યના માતાપિતાનો જીવ ના જાય એ માટે આ બ્રિજ ને ઊંચો કરવો જોઈએ કેહતા તેની આંખ ભીની થઇ ગઇ હતી.

જો કે આ સમગ્ર બાબતે ધરમપુર તાલુકા પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારી ડી. એમ. પટેલે રૂબરૂ વાતચીત કરતા જણાવ્યું કે અત્યાર સુધીમાં 10 વાર લાવરી નદી ઉપર બ્રિજ બનાવવા માટે ની દરખાસ્ત મોકલવામાં આવી છે. પરંતુ હજુ સુધી તેને વહીવટી મંજૂરી મળી નથી, જેના કારણે આ સમસ્યા ઠેર ની ઠેર છે. ધારાસભ્ય અરવિંદ ભાઈ પટેલએ તેમના લેટર પેડ ઉપર આ વર્ષે પણ ઊંચાઈ વાળો બ્રિજ બનાવવા માટે દરખાસ્ત મૂકી છે પણ મજૂરી નથી મળી. જોકે આ સમગ્ર બાબતને કારણે મુશ્કેલીનો ભાગ બની રહેલા સ્થાનિકો દ્વારા બ્રિજ ઉપર ધોવાણ થયા બાદ રેતી નાખવા આવેલા માર્ગ અને મકાન વિભાગના વાહનોનો વિરોધ કરાયો હતો. લોકોના ટોળાએ બ્રિજ ઉપર એકત્ર થઈ સમારકામ અટકાવી દીધું હતુ.

ABOUT THE AUTHOR

...view details