વાપી: વલસાડ જિલ્લા કલેકટર આર.આર.રાવલે કોરોના નિયમોના અમલ માટે પાલિકા અને તાલુકા કક્ષાના અધિકારીઓની સ્કવોડને ચેકિંગ માટે કામે લગાડી છે. બીજી તરફ કોરોનાના પોઝિટિવ કેસો વલસાડ જિલ્લામાં અટકવાનું નામ લેતા નથી. ગુરૂવારે વધુ 1 કેસ નોંધાતા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યાનો આંકડો 61 સુધી પહોંચી ગયો છે, તો સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 28 અને દમણમાં 2 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા બાદ તંત્ર વધુ સતર્ક બન્યું છે.
વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં કોરોના કેસ પોઝિટવ આવ્યા બાદ વહીવટી અને આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે. અગાઉ 6 જૂને જિલ્લાના અટકપારડી, કપરાડા અને વાપી સહિત એક જ દિવસમાં કુલ 7 કેસ કોરોના પોઝિટિવના મળી આવ્યા બાદ 11 જૂન ગુરૂવારે વાપીના છીરીમાં રહેતા 38 વર્ષીય ફિઝિયોથેરાપિસ્ટ ડોકટર કોરોના પોઝિટિવ મળતાં તંત્રમાં ભારે દોડધામ રહી હતી. હાલ વાપીમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. જેને લઇ વાપી વિસ્તારમાં કન્ટેન્મેન્ટ ઝોનના વિસ્તારોમાં છીરીના આ વિસ્તારનો સમાવેશ કરી દેવાયો છે. તો આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 4235 સેમ્પલ લીધા છે. જેમાંથી 4184 સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જિલ્લાના પોઝિટિવ કેસો 51 છે. જિલ્લા બહારના કેસ 10 છે. હાલ એક્ટિવ કેસ 19 છે. જ્યારે 29 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે.સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં જૂન મહિનામાં અનલોક જાહેર થયા બાદ કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. દાદરામાં સૌથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. જેમાં ગુરૂવારે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેની ઉંમર 20 થી 30 વર્ષની હોવાનું જણાવાયું છે. પ્રદેશમાં હાલ પોઝિટિવ કેસ 28 છે, જેમાં 26 એક્ટિવ કેસ છે. બે સાજા થઈ ઘરે રવાના થયા છે. દાદરા ખાતે બે કંટેટમેન્ટ ઝોન બનાવાયા છે. જેમાં ભંડારીની ચાલ દેમણી રોડના 8 જેટલા એક્ટિવ કેસો સારવાર લઈ રહ્યા છે. એજ પ્રમાણે જયેશની ચાલ રામ મંદિર નજીકના 9 જેટલા કેસો એક્ટિવ છે, તેમજ બીજા 8 જેટલા લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે દમણમાં પણ મુંબઈથી આવેલા એક પુરુષ અને એક બાળકીને કોરોના પોઝિટિવ નીકળતા તેને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. તેમના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા છે.