કપરાડાઃ વૈશ્વિક મહામારી કોરોનાને લઈને હાલમાં લોકડાઉનની સ્થિતિ છે. ત્યારે લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની અપીલ કરવામાં આવી રહી છે. છતાં કપરાડા તાલુકાના દહીંખેડ ગામે નદીમાં માછલાં પકડવા માટે આખું ગામ ઉમટી પડ્યુ હતું. આ સમગ્ર બાબતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ નાનાપોઢા પોલીસે આ અંગે 70 લોકો વિરુદ્ધ ધી એપેડીમિક ડીસીઝ એકટ 1997ની કલમ ત્રણ મુજબ ફરિયાદ નોંધી છે.
કપરાડામાં લોકડાઉન દરમિયાન માછલી પકડવા ભેગા થયેલા લોકો સામે ફરિયાદ - કોરોનાવાઈરસ ન્યૂજ
કપરાડા તાલુકાના દહીંખેડ ગામે નદીમાં માછલાં પકડવા માટે આખું ગામ ઉમટી પડ્યુ હતું. આ સમગ્ર બાબતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ નાનાપોઢા પોલીસે આ અંગે 70 લોકો વિરુદ્ધ ધી એપેડીમિક ડીસીઝ એકટ 1997ની કલમ ત્રણ મુજબ ફરિયાદ નોંધી છે.
કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં અનેક લોકો એક સાથે મધુબન ડેમને મળતી નદીમાં માછલાં પકડવા માટે જાળ લઈ પહોંચ્યા હતાં. જ્યાં સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતાં લોકો માછલી પકડવા પડાપડી કરતા હતાં. આ બાબતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ત્યાર બાદ નાનાપોઢા પોલીસે સ્થળ પર તપાસ કરતા લોકો ત્યાંથી નાસી છૂટ્યા હતાં.
જોકે સમગ્ર બાબતે નાનાપોઢા પોલીસે 60 થી 70 લોકો સામે ધી એપેડીમિક ડીસિસ એકટની 1997ની કલમ ત્રણ મુજબ ફરિયાદ નોંધતા ફફડાટ ફેલાયો છે. જોકે નદીમાં માછલી પકડવા માટે આવનાર મોટા ભાગના લોકો કસ્તૂનીયા વિસ્તારના હોવાની પણ ચર્ચાઓ ઉઠી છે. નાનાપોઢા પી એસ આઈ ડી.જે બારોટે જણાવ્યું કે, હાલ લોકડાઉનનો માહોલ છે ત્યારે કોરોના જેવી બીમારીથી બચવા માટે લોકોએ સામાજીક અંતર રાખવું જરુરી છે. આ સાથે જ તેમણે લોકોને કામ વગર ઘરની બહાર ન નિકળવાની અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની અપીલ કરી છે.