- પ્રદુષણ મામલે હજુ પણ વાપી ચર્ચામાં રહે છે
- રેલવે બ્રિજના પાયા ખોદતી વખતે કેમિકલયુક્ત લાલ પાણી નીકળ્યું
- કેટલાક ઔદ્યોગિક એકમોના કારણે ઉદભવી રહી છે આ સ્થિતિ
વાપી: વાપી GIDC કેમીકલ મામલે ફરી એકવાર ચર્ચામાં આવી છે. GIDCના CETP નજીક દમણગંગા નદી પર રેલવે ફ્રેઈટ કોરિડોર માટે ચાલી રહેલી બ્રિજ બનાવવાની કામગીરી દરમિયાન જમીનમાંથી મોટાપાયે કેમિકલયુક્ત પ્રદુષિત પાણી નીકળ્યું છે. લોકોએ આ મામલે વાપી GPCB તપાસ કરે અને ભુગર્ભમાં પ્રદુષણ ઓકતા એકમો સામે કાર્યવાહી કરે તેવી માગ કરી છે.
રેલવે બ્રિજના પાયા ખોદતી વખતે કેમિકલયુક્ત લાલ પાણી નીકળ્યું CETP નજીક કેમિકલયુક્ત પાણી નીકળતા ચકચાર
દમણગંગા નદી કિનારે રેલવે બ્રિજ બનાવાની કામગીરી ચાલી રહી છે. મજૂરો દ્વારા રેલવે બ્રિજના પાયા માટે ખોદકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ખોદકામ દરમિયાન લાલ કલરનું કેમિકલયુક્ત પાણી બહાર આવ્યુ હતું. કેમિકેલયુકત પાણીને લઈને લોકોનું કહેવું છે કે, કેટલાક એકમો ભૂગર્ભ જળને પ્રદુષિત કરી રહ્યાં છે. જેના કારણે ભૂગર્ભ જળ ખરાબ થઇ રહ્યાં છે.
ભૂગર્ભમાં પ્રદુષણ છોડતા એકમો સામે GPCB કાર્યવાહી કરે તોવી લોક માગણી
ભવિષ્યમાં જો ભૂગર્ભ જળ ખરાબ થશે તો લોકોને પીવાના પાણીની તકલીફ પડી શકે છે તેવી દહેશત સ્થાનિક લોકોમાં ઉઠી છે. જેથી દમણગંગા નદી કિનારા પાસે ખોદકામ વખતે લાલ કેમિકલયુકત પાણી મામલે GPCB સઘન તપાસ કરીને કાર્યવાહી કરે તે જરૂરી છે. આસપાસના ગામોમાં ભૂગર્ભ જળ ખરાબ થયા હોવાની ફરિયાદો ભૂતકાળમાં પણ અનેક વખત સામે આવી હતી.
GIDCના કેમીકલ એકમોને કારણે નામધા અને ચંડોર જેવા ગામના તેમજ વાપી નગરપાલિકાના વિસ્તારના બોરમાંથી પ્રદુષિત પાણી નીકળતું હોવાની ફરિયાદ ઉઠતી રહી છે. નામધા અને ચંડોરના રહીશોએ આ મામલે રજૂઆત પણ કરી હતી. જેથી ભૂગર્ભ જળ ખરાબ કરતાં એકમો સામે સખત કાર્યવાહી થાય તે જરૂરી છે. જો કે આ મામલે GPCBના અધિકારીઓનો સંપર્ક કરતા રિજનલ અધિકારી રજા પર હોઈ કોઈ યોગ્ય પ્રત્યુતર મળ્યો નહતો. જ્યારે વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખે સમગ્ર મામલે ચીફ ઓફિસર તપાસ કરીને રિપોર્ટ આપશે તેવું જણાવ્યું હતું.