- વલસાડ જિલ્લામાં બિલ્ડર એસોસિએશનનો વિરોધ
- 500 જેટલી સાઇટો પર એક દિવસ બાંધકામ રહ્યુ બંધ
- સિમેન્ટ-સ્ટીલના ભાવ વધારાનાં વિરોધમાં રખાઈ હતી હડતાલ
વાપી: સમગ્ર ગુજરાત સાથે વલસાડ જિલ્લાનાં બિલ્ડરો અને ડેવલપર્સે શુક્રવારે પોતાની બાંધકામની સાઇટો બંધ રાખીને સ્ટીલ-સિમેન્ટનાં ભાવ વધારા સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. સિમેન્ટ અને સ્ટીલ ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા કાર્ટેલ બનાવીને ભાવોમાં કરવામાં આવી રહેલા વધારાના કારણે અને અન્ય બાંધકામનાં મટીરીયલ્સમાં થયેલા ભાવ વધારાને કારણે મકાનોની કિંમતમાં ગુજરાતના ડેવલપર્સ દ્વારા યુનિટ દીઠ 15થી 20 ટકા સુધીનો ભાવ વધારો કરવો પડશે, તેવી માગ સાથે શુક્રવારે એક દિવસની હડતાલ પાડી જિલ્લા વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવી પોતાની વ્યથા ઠાલવી હતી.
કન્સ્ટ્રક્શન સાઈટની પ્રતિકાત્મક તસવીર અંદાજિત 4 કરોડ સ્કિલ્ડ અને અનસ્કીલ્ડ વર્કરોને રોજગારી
Confederation of real estate developers associations of India(CREDAI)નાં આદેશ અનુસાર વલસાડ ડિસ્ટ્રિક્ટ રિયલ એસ્ટેટ ડેવલોપર્સ એસોસિએશનના હોદ્દેદારો, સભ્યોએ તમામ બાંધકામને એક દિવસ માટે બંધ રાખ્યું હતું. રિયલ એસ્ટેટ સેકટર પર 250થી વધુ નાના-મોટા ઉદ્યોગો નિર્ભર છે. જે અંદાજિત 4 કરોડ સ્કિલ્ડ અને અનસ્કીલ્ડ વર્કરોને રોજગારી પૂરી પાડે છે. વલસાડ જિલ્લામાં આવી અંદાજિત 500 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટો આવેલી છે.
વિરોધ કરનારાઓ પોતાની સાઈટ્સનાં ભાવો વધારવા માગે છે!?
આ વિરોધ અંગે વધુ તપાસ કરતા ચોંકાવનારા કારણો પણ સામે આવ્યા છે. વિરોધ કરનારા બિલ્ડરો, ડેવલપર્સ પોતે જ પોતાની બાંધકામ સાઈટોમાં ભાવ વધારો કરીને ગ્રાહકો પાસેથી મોટી રકમ ખંખેરવા માગતા હોવાથી આ વિરોધ કરવામાં આવતો હોવાનું પણ ચર્ચાઈ રહ્યુ હતું. આ ઉપરાંત સ્ટીલ, સિમેન્ટ, ઈંટ, રેતીની વિગતો તપાસીએ તો ભાવ વધારો તમામ ચીજવસ્તુઓ પર થયો હોવા છતાં માત્ર સ્ટીલ અને સિમેન્ટના ભાવ વધારાનો વિરોધ કેમ? તે પ્રશ્ન પણ સપાટી પર આવ્યો છે.
સિમેન્ટમાં માત્ર 100 રૂપિયા જેટલો ભાવ વધારો
સિમેન્ટ-સ્ટીલનાં એક સપ્લાયરે આપેલી વિગતો અનુસાર, વર્ષ 2019માં 50 કિલો સિમેન્ટની બેગનો ભાવ 200થી 300 રૂપિયા સુધીનો હતો. જે કેટેગરી વાઇઝ અને બ્રાન્ડ વાઇઝ હતાં. 2020માં કોરોના કાળમાં તે ભાવ 200થી 400 સુધી પહોંચ્યો હતો. હાલમાં પણ એ જ ભાવ છે. રહી વાત બિલ્ડરો અને ડેવલપર્સની, તો તેઓ મોટાભાગે મોંઘી બ્રાન્ડને બદલે સસ્તી બ્રાન્ડ વધુ પસંદ કરતા હોય છે.
સિમેન્ટનો જુદી જુદી 3 કેટેગરીમાં ભાવ નક્કી થાય છે
સિમેન્ટ કંપનીઓ અલગ અલગ 3 કેટેગરીમાં ભાવ નક્કી કરે છે. પ્રથમ કેટેગરીમાં તમામ લોકલ અને બ્રાન્ડેડ કંપનીઓના ભાવ 200થી 380ની આસપાસ છે. બીજી કેટેગરી રૂફટોપ કેટેગરીની છે. જેનો ભાવ 400 રૂપિયા છે. જ્યારે ત્રીજી કેટેગરી રેગ્યુલર કેટેગરી છે. જેનો ભાવ 350ની આસપાસ છે. દરેક બિલ્ડરો, ડેવલપર્સ મોટાભાગે ત્રીજી કેટેગરી અને વધુમાં વધુ પહેલી કેટેગરીને જ પસંદ કરે છે. બીજી કેટેગરીમાં મોટાભાગે જેઓ પોતાના ખર્ચે પોતાનું મકાન બનાવવા માગે છે, તેવા મકાનમાલિકો જ ખરીદે છે.
સસ્તું હોવાથી બિલ્ડરો ભાવનગરી સ્ટીલનો વધુ ઉપયોગ કરે છે
સ્ટીલમાં પણ જે ભાવ વધારાની બુમરાણો બિલ્ડરો અને ડેવલપર્સે મચાવી છે, તેની વાત કરીએ તો વર્ષ 2019થી 2020 દરમ્યાન ટન દીઠ સ્ટીલનો ભાવ 35000 રૂપિયા હતો. કોરોના કાળમાં આ ભાવ વધીને 50,000 અને હાલમાં 60,000 સુધી બોલાઈ રહ્યો છે. જો કે, આ ભાવ બ્રાન્ડેડ કંપનીના સ્ટીલના છે. જ્યારે ગુજરાતમાં બિલ્ડરો ભાવનગરી સ્ટીલ પર વધુ મદાર રાખે છે. જે અન્ય બ્રાન્ડેડ કંપનીઓના સ્ટીલની સરખામણીએ સસ્તું છે.
કોરોનાને કારણે શ્રમિકો ન મળતા ઇંટોનાં ભાવ આસમાને
ઈંટનાં ભાવવધારા અંગે સ્થાનિક ઈંટ સપ્લાયર વાસુભાઈ ટોકીએ જણાવ્યું કે, 2019માં 1000 ઈંટોનો ભાવ 3800થી 4500 રૂપિયા હતો. જે કોરોનાને કારણે ઉભી થયેલી મજૂરોની અછત, અન્ય મટીરીયલની શોર્ટેજને કારણે વધીને 5000થી 5100 રૂપિયા સુધી પહોંચ્યો છે.
નજીવા ભાવ વધારા સાથે રેતીની કિંમત સ્થિર
રેતીનાં સપ્લાયર મિતેષ પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2019થી લઈને 2021 સુધીના સમયગાળામાં રેતીમાં ક્વોલિટી મુજબ નજીવા ભાવ વધારા સાથે આજે પણ ભાવ સ્થિર છે. ડીઝલનાં ભાવ વધ્યા હોવા છતાં પણ રેતી સપ્લાયરોએ કોઈ ભાવ વધારો કર્યો નથી. ટનનાં 1000થી 1100 મુજબ આજે પણ એ જ ભાવ માર્કેટમાં ચાલે છે.
ઘર ખરીદવા માટે લોકોએ વધુ પૈસા ચૂકવવા પડશે
જો કે બિલ્ડરો ડેવલોપર્સ આ ભાવ વધારાને કૃત્રિમ ભાવ વધારો ગણી વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. જેમાં તેઓનો મૂળ આશય બાંધકામ ક્ષેત્રે ફ્લેટ-દુકાનોના ભાવ વધારી વધુ પૈસા કમાવાનો છે. જે માટે હડતાલ જ મહત્વનું શસ્ત્ર હોઇ એક દિવસ હડતાલ પાડીને વર્ષ 2019-20માં સસ્તા ભાવે બનાવેલી મિલકતો પર તગડો નફો મેળવી લેશે, એવી ચર્ચા લોક માનસમાં ઉઠી છે અને લોકોએ બીલ્ટ અપ, સુપરબીલ્ટ અપનાં નામે સ્ટીલ, સિમેન્ટનાં ભાવ વધારાનાં નામે વધુ રૂપિયા ચૂકવવા પડશે
ભાજપના હોદ્દેદારો જ સરકાર સામે વિરોધ કરી રહ્યા છે
બિલ્ડરો-ડેવલોપર્સ એસોસિએશનની વાત કરીએ તો તેમાં પણ મોટેભાગે રાજકિયક્ષેત્રે સંકળાયેલ રાજકારણીઓ જ એસોસિએશન ના સભ્યો, હોદ્દેદારો અને એડવાઇઝર કમિટીના સભ્યો છે. વલસાડ ડિસ્ટ્રિક્ટ રિયલ એસ્ટેટ ડેવલોપર્સ એસોસિએશનમાં એડવાઇઝરી કમિટીમાં વલસાડ ભાજપ જિલ્લા પ્રમુખ હેમંત કંસારા છે. બીજા નંબરે દમણગંગા સુગર સહકારી મંડળીના ચેરમેન હર્ષદ કટારીયા છે. એ જ રીતે ભાજપના કન્વીનર ટીનું બારી ઉમરગામના પ્રમુખ છે. જિલ્લાના અને તાલુકાના અન્ય પ્રમુખ, મંત્રી સહિતની જવાબદારી પણ આવા જ અન્ય રાજકારણીઓ ધરાવે છે, એટલે સરકારના જ પ્રતિનિધિઓ, હોદ્દેદારો પોતાની જ સરકાર સામે સ્ટીલ-સિમેન્ટના ભાવ વધારાનો વિરોધ કરી રહ્યા છે. જે વાત લોકોના ગળે ઉતરતી નથી.