વલસાડઃ વૈશ્વિક મહામારી કોરોના વાયરસ બિમારીના કારણે બ્લડની જરૂરિયાતને ધ્યાનમાં લઈ પારનેરા પારડી યુવક મિત્ર મંડળ દ્વારા શ્રી સંકટહરન હનુમાનજી મંદિર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ઉત્સાહ ભેર ગામના યુવાનોએ પોતાનું રક્તદાન કર્યુ હતું. આજના લોકડાઉનના સમયમાં જ્યાં બ્લડની અછત વર્તાય છે.
વલસાડ સિવિલ હોસ્પિટલના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરાયું - પારનેરા પારડી યુવક મિત્ર મંડળ
લોકડાઉન દરમિયાન વલસાડ શહેરમાં વર્તાતી બ્લડની અછતને પહોંચી વળવા માટે અનેક સંસ્થાઓ અને ગ્રામ પંચાયતો આગળ આવી રહી છે. ત્યારે વલસાડ નજીકમાં આવેલી પારનેરા પારડી યુવક મિત્ર મંડળ દ્વારા સંકટ હરન હનુમાન મંદિરના પટાંગણમાં આજે વલસાડ સિવિલ હોસ્પિટલના સહયોગ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્સાહ ભેર યુવાનોએ રક્તદાન કર્યુ હતું.
એવા સમયે રક્તદાન દ્વારા એકત્ર કરવામાં આવેલું રક્ત અન્યનું જીવન બચાવી શકે એવા હેતુથી આજે પારનેરા પારડી ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી. કાર્યક્રમ દરમિયાન વલસાડ સિવિલ હોસ્પિટલ બ્લડ બેન્કના કર્મચારીઓએ સેવા આપી હતી. આજે કાર્યક્રમ દરમ્યાન 100 બોટલ રક્ત એકત્ર કરવા માટેનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો.
વલસાડ જિલ્લામાં રોજિંદા 15 યુનિટ બ્લડની જરૂરિયાત ઉભી થતી હોય છે. થેલેસેમિયા કેન્સર અને અન્ય ઇમરજન્સી કેસમાં લોકોને બ્લડની જરૂરિયાત ઉભી થતી હોવાથી, તેને પહોંચી વળવા લોકડાઉનના સમયમાં રક્તદાન ખૂબ જરૂરી અને સહાય રૂપ બને છે.