વલસાડ: કપરાડાના માની ચીંચપાડા ગામના નદીમાં સ્નાન કરવા પડેલા ગોવાળિયાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે, ત્યારે આ સમગ્ર બાબતે ટેલિફોનિક જાણકારી આપતા કપરાડાના PSI બી.એન. ગોહિલએ જણાવ્યું હતું કે, કપરાડા તાલુકાના માની કોઝવે નજીકમાં નદીમાં 5 ગોવાળિયાઓ સ્નાન પડ્યા હતા. જેમાં અચાનક નદીમાં વરસાદી પાણી વધી જતાં 4 યુવાનોને તરતા આવડતું હોવાથી તેઓ મહા જેહમતે પાણીમાંથી નીકળ્યા હતા.
કપરાડાની નદીમાં સ્નાન કરવા પડેલા ગોવાળિયાનો લાઈવ વીડિયો સામે આવ્યો - Kaprada
કપરાડા તાલુકાના માની ચીંચપાડા ગામે પાર નદીમાં કોઝવેમાં સ્નાન કરવા માટે પડેલા 5 ગોવાળિયાઓ પૈકી એક ડૂબી જતાં મૃતકનો મૃતદેહ મેણધા ગામેથી મળી આવ્યો હતો. અચાનક વરસાદને પગલે નદીમાં પાણી વધી જતાં ઘટના બની હતી અને આસપાસના યુવાનો બચાવવા માટે દોડી આવ્યાં હતાં. આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે.
જ્યારે 1 યુવક વિલેશ વિઠલ રાથડ ઉ.વ.18 સાતવા નકલ ફળીયા નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જતા મોતને ભેટ્યો હતો. જેમાં મૃતક વિલેશનો મૃતદેહ 15ના રોજ મેણધા ગામની નદીના પટમાંથી મળી આવ્યો હતો. જો કે, આ ઘટના બાબતે મૃતકના પિતાએ કપરાડા પોલીસ મથકમાં જાણકારી આપી છે.
મહત્વનું છે કે, 13 ઓગષ્ટના રોજ બનેલી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. જેમાં ગોવાળિયાઓ નદીનું પાણી વધી જતાં બહાર નીકળવા પ્રયાસ કરી રહ્યાં છે અને કિનારે ઉભેલા લોકો તેમને બચાવવા માટે પણ બુમાબુમ કરતા આજુબાજુના લોકો નદી પાસે દોડી આવ્યા હતા. આ બનાવની જાણ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી પોલીસને કરવામાં આવતા બનાવની જગ્યાએ મુલાકાત લઇ માહિતી મેળવી હતી.