વલસાડઃ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામે યોજાયેલા પશુ સારવાર કેમ્પમાં અનેક સ્થળેથી વિવિધ સંસ્થાઓએ ભાગ લીધો હતો. જેમાં મહારાષ્ટ્રના પાલઘરથી આવેલી શ્રી પાલઘર જીવ દયા ટ્રસ્ટ સંચાલિત શ્રી કલાપૂર્ણ જીવ દયા ધામ દ્વારા પર્યાવરણ અને ઝાડને બચાવવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી હતી.
પર્યાવરણ અને ઝાડને બચાવવા પાલઘરની એક સંસ્થા દ્વારા અનોખી પહેલ સામાન્ય રીતે બળતણ તરીકે દરેક જગ્યાએ લાકડા કે પ્લાસ્ટિકના વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. જેમાંથી કાર્બન ડાયોક્સાઇડ હવામાં ભળતું હોવાથી તે વાતાવરણને પણ નુકસાન કરે છે.
જો કે વૈદિક સંસ્કૃતિ અનુસાર ગાયના છાણમાંથી બનેલા સૂકા છાણાને પ્રજ્વલિત કરવાથી તેની અંદર રહેલો નાઇટ્રોજન સહિત કેટલાક એવા વાયુ છૂટા પડે છે કે, જે હવામાં ભળી રોગકારક બેક્ટેરિયાનો નાશ કરે છે. જેથી વેદો અનુસાર ગાયના છાણનો યજ્ઞ અને હોમ હવનમાં ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે ગૌશાળા દ્વારા છાણમાંથી બનાવવામાં આવેલા કોડિયા, કુંડા અને બળતણ માટેની કૃત્રિમ લાકડીઓ આ પશુ મેળામાં પ્રદર્શન અને વેચાણ માટે મૂકવામાં આવી હતી.
આદિ-અનાદિકાળથી મનુષ્ય વૃક્ષને કાપતો આવ્યો છે. તેની સીધી અસર હવે ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ જેવી પરિસ્થિતિ પેદા કરી રહી છે. જે સમગ્ર વિશ્વ માટે એક ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે આવા સમયમાં પર્યાવરણ અને વૃક્ષોને બચાવવાના હેતુથી તેમજ ગૌશાળામાં રહેલી ગાયના છાણનો ઉપયોગ કરી તેનો બળતણ તરીકે ઉપયોગમાં લઈ શકાય તેવી ચીજવસ્તુઓ નિર્માણ કરવા માટે મહારાષ્ટ્રના પાલઘરમાં આવેલી એક ગૌશાળા અનોખુ પગલું ભર્યું છે.
ગૌશાળા દ્વારા ગાયના છાણનો ઉપયોગ કરીને કૃત્રિમ રીતે બનાવવામાં આવેલા લાકડા, ગોળાકાર છાણા અને કુંડા જેવી ચીજો બનાવી વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ તમામ ચીજવસ્તુઓ લાકડાના ભાવ કરતાં પણ અડધા ભાવે વેચાઇ રહી છે. છાણમાંથી બનાવવામાં આવેલી આ ચીજ વસ્તુઓ 8 રૂપિયા કિલોના ભાવે વેચાઇ રહી છે અને લોકો તેને ખરીદી રહ્યા છે. કારણ કે આ ચીજો પર્યાવરણ માટે હાનિકારક નથી. વેદોમાં ઉલ્લેખ છે કે, છાણાને યજ્ઞમાં પ્રજ્વલિત કરવાથી તેની અંદરથી નીકળતા ધુમાડામાં નાઇટ્રોજન સહિત કેટલાક એવા પ્રકારના ગેસ નીકળે છે જે પર્યાવરણ માટે ખૂબ જ અનુકૂળ છે અને મનુષ્યને હાનિ કરતા બેક્ટેરિયાનો નાશ કરે છે. જેથી ગાયના છાણમાંથી બનાવવામાં આવેલી આ વસ્તુઓ પર્યાવરણ તો ઉપયોગી છે જ પણ વૈદિક રીતે મનુષ્યને પણ ખૂબ જ ઉપયોગી છે.
કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતે પશુ સારવાર મેળામાં લગાવવામાં આવેલા સ્ટોલ ઉપર શ્રી પાલઘર નગર અભયમ જીવ દયા ટ્રસ્ટ દ્વારા સ્ટોલ લગાવવામાં આવ્યો હતો. જેની અંદર આ તમામ ચીજ વસ્તુઓ લોકોની જાણકારી માટે અને ખરીદ વેંચાણ માટે મૂકવામાં આવી હતી. ગૌશાળાના કર્મચારીએ જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં લોકો આ છાણની બનાવટમાંથી બનેલી અનેક ચીજવસ્તુઓનો ઉપયોગ બળતણ માટે કરી રહ્યા છે.