- ધરમપુરના કુરગામમાં લગ્ન પૂર્વે ઓરકેસ્ટરા પાર્ટીમાં 100 થી વધુ લોકો ઝૂમતા હતા
- પોલીસને જાણ થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી
- તાલુકા ભાજપ પ્રમુખના લગ્નની પૂર્વ સંધ્યાએ લોકોની જનમેદનીમાં પોલીસે 11 સામે ગુનો નોંધ્યો
વલસાડઃ ધરમપુર નજીકના કુરગામ ખાતે રહેતા ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ કેતન અરવિંદભાઈ પટેલના લગ્ન પ્રસંગમાં શનિવારે રાત્રે ઓરકેસ્ટ્રા પાર્ટીમાં 100 થી વધુ લોકો ડાન્સ કરતા જોવા મળ્યા હતા. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવતા પોલીસે આ સમગ્ર મામલે અગિયાર લોકો સામે ગુનો દાખલ કર્યો છે. જેમાં ભાજપ તાલુકા પ્રમુખ પણ સામેલ છે. જોકે અચાનક ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર સામે ફરિયાદ નોંધાતા રાજકીય આલમમાં ચકચાર મચી છે. જે 78માં પ્રધાન ઈશ્વર સિંહ, સંસદ કેસી પટેલ, ધારાસભ્ય કનું દેસાઈ અરવિંદ પટેલ, ભાજપ પ્રમુખ હેમંત કંસારા પણ હાજરી આપી હતી.
ધરમપુર ભાજપ તાલુકા પ્રમુખના લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા કોવિડ 19 અને કલેકટરની ગાઈડ લાઇનનું સંપૂર્ણ પણે ભંગ
કુરગામ ખાતે કેતન વાઢુ ધરમપુર તાલુકા ભાજપ પ્રમુખના લગ્ન હતા. જેની પૂર્વ સંધ્યાએ ઓરકેસ્ટ્રા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી જનમેદની ઝૂમતી હતી ન તો માસ્ક પહેર્યા હતા કે ન તો કોઈ સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું ન હતું કોરનાની ગાઈડ લાઇનનો સંપૂર્ણ પણે ભંગ જોવા મળ્યો હતો.
લગ્નની પૂર્વ સંધ્યાએ હાજરી આપવા અનેક નેતાઓ પણ આવ્યા હતા, પણ તેમને આ ભીડ ઉડીને આંખે ન વળગી
ધરમપુર ભાજપના પ્રમુખ કેતન વાઢુના લગ્નની પૂર્વ સંધ્યાએ હાજરી આપવા ડો. કે સી પટેલ, પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ ધરમપુરના ધારાસભ્યએ અરવિંદભાઈ પટેલ તેમજ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવા વરાયેલા પ્રમુખ હેમંત કંસારા સહિત પ્રધાન ઈશ્વરસિંહ પણ હાજરી આપી ભોજન ગ્રહણ કર્યું હતું, પરંતુ આ તમામ રાજકીય નેતાઓને અહીં ઉપસ્થિત થયેલી ભીડ ઉડીને આંખે વળગી ન હતી.
ધરમપુર પોલીસે આ સમગ્ર મામલે 11 સામે ગુનો દાખલ કર્યો
અરવિંદ બુધિયા વાઢુ, કેતન અરવિંદ વાઢુ(તાલુકા પ્રમુખ ધરમપુર), વિપુલ ધીરુભાઈ વાઢુ તમામ રહે. કુરગામ, જ્યારે મુકેશ ભીખુભાઈ પટેલ રહે કલવાડા, રાજેશ મગન પટેલ અબ્રામા ઝરણાં પાર્ક વલસાડ, સચિન મહેશ પટેલ રહે ઉદવાડા રેંટલાવ, ચેતન અશોક રાઠોડ રેલવે યાર્ડ વલસાડ,સાગર રહે વસિયર વલસાડ, પપ્પુ રાજુભાઇ મકવાણા રહે. રેલવે યાર્ડ વલસાડ, પ્રકાશ મનુભાઈ પટેલ બીલીમોરા નવસારી સામે ફરિયાદ નોંધી છે.
મોડી રાત્રે ઓરકેસ્ટ્રા પાર્ટીમાંથી પોલીસે 11 સામે ગુનો દાખલ કરતાં અનેક રાજકીય હોદ્દેદારોના ફોન ઉચ્ચ પોલીસ અધિકારીઓને રણકયા
ધરમપુર ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ લગ્નની પૂર્વ સંધ્યાએ યોજાયેલી ઓરકેસ્ટ્રા પાર્ટીમાં પોલીસે રંગમાં ભંગ પાડી 11 લોકો સામે સોશિયલ ડિસ્ટન્સના ભંગ અંગેની ફરિયાદ દાખલ કરતા અને કર રાજકીય હોદ્દેદારોના ફોન પોલીસના ઉચ્ચ અધિકારીઓને આ તમામ લોકોને છોડાવવા માટે રણકયા હતા. કારણ કે, સત્તા પાર્ટીની સામે સોશિયલ ડિસ્ટન્સની ભંગ અંગેની પોલીસ ફરિયાદ નોંધતા તેઓનો અહમ ઘવાયો હોવાનું જણાઈ આવ્યું હતું અને જેને લઇને અનેક લોકોએ આ તમામ લોકો સામે ફરિયાદ ન કરવા એડીચોટીનું જોર લગાવ્યું હતું.
મહત્વનું છે કે, કોઈ નવા નિયમો એ માત્ર સામાન્ય જનતા માટે છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કે તેમના કાર્યકરો માટે આવા કોઈ નિયમો લાગુ થતા નથી એવું આવી ઘટનાઓને લઈને જણાઈ આવે છે. ધરમપુરમાં બનેલી આ ઘટનાએ હાલ તો સમગ્ર રાજકીય આલમમાં ચકચાર જગાવી છે તો સાથે સાથે પોલીસ બેડામાં પણ આ ઘટનાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે તો બીજી તરફ સામાન્ય જનતા પણ આ સમગ્ર ઘટના અંગે ચર્ચાનો વિષય બની રહ્યો છે અને આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યા છે.